ગુજરાતમાં ચોમાસું વિધિવત્ શરૂ: આગાહી કરતાં 7 દિવસ વહેલું

June 10, 2021

અમદાવાદઃ કોરોનાના ઘટતા કેસ વચ્ચે વધુ એક રાહતના સમાચાર છે. જેની ચાતકનજરે આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તૈ નૈઋત્યના ચોમાસાની ગુજરાતમાં પધરામણી થઇ ગઇ છે. ગુજરાતમાં અગાઉ 15 જૂન બાદ ચોમાસાની આગમનની આગાહી કરવામાં આવી હતી. પરંતુ તેનાથી સાત દિવસ અગાઉ જ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. નોર્ધન લિમિટ ઓફ મોન્સૂન વલસાડમાંથી પસાર થયું હતું અને તેની સાથે જ નૈઋત્યના ચોમાસાએ ગુરુવારે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. આગામી 30 જૂન સુધીમાં રાજ્યભરમાં ચોમાસું સક્રિય થઇ જશે. હવામાન વિભાગ દ્વારા આગામી 10, 13, 14 જૂનના વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં વલસાડ જિલ્લાના કપરાડામાં દિવસ દરમિયાન 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.  હવાામાન વિભાગે જણાવ્યું છે કે, 'દક્ષિણ ઓડિશાથી દક્ષિણ ગુજરાત સુધી મોર્નિંગ ટ્રો છે. આગામી 10-11 જૂનના વલસાડ, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, તાપીમાં જ્યારે 12થી 15 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત ઉપરાંત ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, બોટાદ, દીવ, અમદાવાદ, આણંદમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આગામી 10, 13, 14 જૂનના વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડે તેની સંભાવના છે. ' ગુજરાતમાં સામાન્ય રીતે જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. જેના સ્થાને આ વખતે ચોમોસાની વિધિવત્ પધરામણી વહેલી થઇ ગઇ છે. ગુજરાતમાં ગત વર્ષે 21 જૂનથી ચોમાસાએ પ્રવેશ કર્યો હતો. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા અનુમાન અનુસાર ગુજરાતમાં આ વખતે 103%થી 105% સુધી વરસાદ પડી શકે છે. છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં સરેરાશ વરસાદ 40 ઈંચથી વધારે નોંધાય છે. અમદાવાદમાં આજે 39 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન રહ્યું હતું જ્યારે વાતાવારણમાં ભેજનું પ્રમાણ 71% નોંધાયું હતું. આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહે અને ઉકળાટનું પ્રમાણ વધે તેની પૂરી સંભાવના છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી સપ્તાહથી છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. રાજ્યમાંથી બનાસકાંઠા-પાટણ-મહેસાણા-સાબરકાંઠા-ગાંધીનગરમાં આગામી પાંચેય દિવસ સૂકું વાતાવરણ રહેશે.