ઓમિક્રોનના ડરથી ચીનમાં અત્યારસુધીનું સૌથી કડક લોકડાઉન; લોકોને મેટલના બોક્સ જેવા રૂમમાં આઇસોલેટ કરાયા

January 13, 2022

કોરોના વાઈરસના નવા વેરિયન્ટ ઓમિક્રોને સમગ્ર દુનિયામાં પોતાનો કહેર મચાવ્યો છે. આ નવા વાઈરસના પ્રકોપના કારણે ચીનના અનયાંગ સહિત શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. બે કરોડથી વધુ લોકો કડક લોકડાઉનની કેદમાં છે. ચીનની ઝીરો કોવિડ પોલિસી પ્રમાણે, ખૂબ જ કડકાઈ વર્તાવવામાં આવી રહી છે.

આ પોલિસી પ્રમાણે, ચીન પોતાના નાગરિકો પર ખૂબ જ કડક નિયમો લાગુ કરીને કોરોના પર કાબૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ડેલી મેઈલના રિપોર્ટ અનુસાર, ચીને મોટા પાયે ક્વોરન્ટીન કેમ્પસનું એક નેટવર્ક બનાવ્યું છે, જ્યાં હજારોની સંખ્યામાં મેટલ બોક્સ બનાવવામાં આવ્યા છે. એમાં પ્રેગ્નટ મહિલાઓ, બાળકો સહિત તમામ લોકોને આઈસોલેટ કરવામાં આવે છે.

મહામારીની શરૂઆતના સમયે વુહાન અને હુબેઈ પ્રાન્તના બીજા ભાગોને બંધ કર્યા બાદથી અત્યારસુધીનું સૌથી કડક લોકડાઉન છે. અત્યારે શિયાનમાં આશરે સવા કરોડ લોકો અને યુઝ્હોઉમાં 10 લાખથી વધુ લોકો લોકડાઉનને કારણે કેદમાં છે.

ઝીરો કોવિડ પોલિસી પ્રમાણે, ચીનમાં જે પ્રમાણેનું લોકડાઉન લગાવામાં આવ્યું છે એ અત્યારસુધીનું સૌથી કડક લોકડાઉન ગણવામાં આવી રહ્યું છે. એમાં ક્રૂર પ્રતિબંધો લોકો પર થોપવામાં આવ્યા છે.