કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી અમેરિકામાં ભારે દહેશત, ગર્વનરે ઈમરજન્સી જાહેર કરી

November 28, 2021

ન્યૂયોર્કના ગવર્નરે શુક્રવારના રોજ ‘ઇમરજન્સીની સ્થિતિ’ જાહેર કરી દીધી કારણ કે કોરોનાવાયરસ ટ્રાન્સમિશન રેટ એપ્રિલ 2020 બાદથી તેની સૌથી ઉંચી ટોચ પર પહોંચી ગયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોવિડનું ‘ચિંતાજનક વેરિઅન્ટ’ સૌપ્રથમ બોટ્સવાનામાં સામે આવ્યું હતું. મહામારીના વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ વેરિઅન્ટ અત્યંત ‘ચિંતાજનક’ છે અને તે ‘મહામારી 2.0’ને આગળ વધારી શકે છે. નિષ્ણાતોની ચેતવણી પછી જ તેમણે ‘ઇમરજન્સીની સ્થિતિ’ જાહેર કરી છે.

ડેલીમેલ સાથે વાત કરતા નિષ્ણાતોએ દેશોને મુસાફરી પ્રતિબંધો લાગુ કરવા વિનંતી કરી છે. અમેરિકાએ મ્યુટન્ટ સ્ટ્રેન ઓમિક્રોનના પ્રવેશતો રોકવા માટે દક્ષિણ આફ્રિકાના આઠ દેશોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જે સોમવારથી લાગૂ થશે. દક્ષિણ આફ્રિકાની એક ફ્લાઈટ શુક્રવારે રાત્રે નેધરલેન્ડમાં ઉતરી હતી, જેમાં ડઝનબંધ લોકો ઓમિક્રોનથી સંક્રમિત હતા. તમામ મુસાફરોને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે અને તેમનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

3 ડિસેમ્બરથી આંશિક લોકડાઉન લાગી શકે છે!
એમ્પાયર સ્ટેટના ગવર્નર કેથી હોચુલનું કહેવું છે કે જો હોસ્પિટલની ક્ષમતા ખતરનાક રીતે ઓછી થઈ જાય છે તો તમામ બિન-જરૂરી પ્રક્રિયાઓને 3 ડિસેમ્બરથી સ્થગિત કરી શકે છે. તેમણે કહ્યું કે જો કોઈ હોસ્પિટલમાં 10 ટકા કરતાં ઓછા ‘સ્ટાફ બેડ ક્ષમતા’ બાકી રહે છે તો તેને બિન-જરૂરી કે વૈકલ્પિક સુવિધાઓ રદ કરવાની મંજૂરી આપવામાં આવશે. એપ્રિલ 2020 બાદથી કોવિડ ટ્રાન્સમિશનનો દર તેના ઉચ્ચતમ સ્તર પર છે તેને જોતા તેમણે ‘ઇમરજન્સી’ની જાહેરાત કરી છે.

‘ઓમિક્રોન આવી રહ્યો છે’
હોચુલે કહ્યું કે જ્યારે ન્યૂયોર્ક રાજ્યમાં હજી સુધી નવા વેરિઅન્ટ ઓમિક્રોનની ખબર પડી નથી, તે આવી રહ્યું છે. સીડીસીએ કહ્યું કે તેઓને હજુ સુધી યુ.એસ.માં ઓમિક્રોનનો કોઈ કેસ મળ્યો નથી. તેમને વિશ્વાસ છે કે તેઓ ઝડપથી સંક્રમિતોની ભાળ મેળવી લેશે. અમેરિકા ઉપરાંત શ્રીલંકા, પાકિસ્તાન જેવા એશિયન દેશોએ પણ આફ્રિકન દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ મૂકી દીધો છે. પાકિસ્તાનમાં કોવિડ-19ને નાથવા અને તેને ધ્યાનમાં રાખતી નીતિઓ બનાવનાર NCOC મુખ્ય સંગઠન છે.