સાઉદી અરેબિયા આવતા પાકિસ્તાની ભિખારીઓની સંખ્યા વધતા ચિંતા વ્યક્ત કરી

September 25, 2024

સાઉદી અરેબિયાએ ધાર્મિક યાત્રાની આડમાં સાઉદી અરેબિયા આવતા પાકિસ્તાની ભિખારીઓની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે. મંગળવારે સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે જો પરિસ્થિતિ પર કાબૂ નહીં રાખવામાં આવે તો પાકિસ્તાની ઉમરાહ અને હજ યાત્રીઓ પર તેની નકારાત્મક અસર પડી શકે છે.

પાકિસ્તાને સાઉદી અરેબિયાને આ મામલે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. સાઉદી અરેબિયાએ ઉમરાહની આડમાં પાકિસ્તાની ભિખારીઓની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પાકિસ્તાનને આવા લોકોને ગલ્ફ કન્ટ્રીમાં પ્રવેશતા રોકવા માટે કાર્યવાહી કરવા કહ્યું છે.

પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયના સૂત્રોને ટાંકીને એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારે તેના સમાચારમાં જણાવ્યું છે કે સાઉદી અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો પરિસ્થિતિ પર નિયંત્રણ નહીં આવે તો પાકિસ્તાનના ઉમરાહ અને હજ યાત્રીઓ પર તેની વિપરીત અસર પડશે.

સાઉદી અરેબિયાની ચેતવણી બાદ, પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયે ઉમરાહ એક્ટ લાવવાનો નિર્ણય કર્યો છે, જેનો ઉદ્દેશ્ય ઉમરાહની વ્યવસ્થા કરતી ટ્રાવેલ એજન્સીઓને કાયદાકીય દેખરેખ હેઠળ લાવવાનો છે.