આઝાદને પદ્મ ભૂષણઃ સિબ્બલે કહ્યુ કે, યોગદાનની કદર, પણ કોંગ્રેસને તેમની જરુર નથી

January 26, 2022

દિલ્હી- કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદને સરકારે પદમ ભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત બાદ કોંગ્રેસનો આતંરિક વિખવાદ ફરી સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કટાક્ષ કરતા કહ્યુ છે કે, બહુ મોટી વિડંબના છે કે, કોંગ્રેસને જ આઝાદની સેવાની જરુર નથી અને બીજી તરફ દેશ તેમના યોગદાનનુ સન્માન કરી રહ્યો છે.


સિબ્બલે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, ગુલામનબી આઝાદને પદમ ભૂષણ માટે ઘણી શુભકામનાઓ અને અભિનંદન, દેશ તેમના જાહેર જીવનમાં યોગદાનનુ સન્માન કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં જી-23 તરીકે ઓળખાતા નેતાઓના ગ્રૂપમાં સિબ્બલ અને આઝાદ સામેલ છે.આ ગ્રૂપ પાર્ટીમાં ધરખમ ફેરફારોની માંગ કરી રહ્યુ છે.જોકે હાલમાં આ જૂથ પાર્ટીમાં વધારે સક્રિય નથી.તેમની માંગણી પ્રમાણે કોંગ્રેસમાં અધ્યક્ષ પદની ચૂંટણી પણ થઈ નથી.


કોંગ્રેસના નેતા જયરામ રમેશે ગઈકાલે ગુલામબની આઝાદને ટોણો માર્યો હતો.પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ બુધ્ધદેવ ભટ્ટાચાર્યે પદમ સન્માન સ્વીકારવાનો ઈનકાર કર્યો ત્યારે રમેશે કહ્યુ હતુ કે, આ બહુ સારો નિર્ણય છે.ભટ્ટાચાર્ય આઝાદ રહેવા માંગે છે અને ગુલામ બનવા નથી માંગતા.