પીસીબી પાસે પ્લેયર્સના કોરોના ટેસ્ટ કરાવવાનાં પણ નાણાં નથી

September 16, 2020

કરાચી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હંમેશાં નાણાકીય તંગીથી ઝઝૂમતું રહ્યું છે અને કોરોના વાઇરસના કારણે તે આર્થિક રીતે કંગાળ થઈ ચૂક્યું છે. પીસીબીની હાલત એટલી બધી ખરાબ થઈ ચૂકી છે કે તેની પાસે ડોમેસ્ટિક ક્રિકેટર્સના કોરોના ટેસ્ટ કરાવવાના પૈસા નથી. પીસીબીએ નેશનલ ટી૨૦ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર ૨૪૦ ખેલાડીઓ, અધિકારી તથા લીગ સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓને જાતે જ પ્રારંભિક કોરોના ટેસ્ટ કરાવી લેવાનો આદેશ આપ્યો છે.  પીસીબીના અનુસાર નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે પ્રત્યેક ખેલાડી તથા અધિકારી કોવિડ-૧૯ના બે ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવવો જરૂરી છે. પીસીબીએ જણાવ્યું હતું કે પ્રથમ ટેસ્ટનું પેમેન્ટ ખેલાડીઓ, અધિકારીઓએ જાતે કરવાનું રહેશે. બોર્ડ બીજા ટેસ્ટના નાણાં ચૂકવશે. પીસીબીના આદેશ સંકેત આપી દે છે કે તેની તિજોરી હવે તળિયા ઝાટક થઈ ચૂકી છે. પાક. બોર્ડે ઝિમ્બાબ્વે સામેની આગામી ઇન્ટરનેશનલ શ્રોણી માટે બાયો-સિક્યોર બબલ તૈયાર કરવા માટે ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ પાસે મદદ માગી છે. ઇંગ્લેન્ડે ગયા મહિને પાક. ટીમની સુરક્ષિત માહોલમાં યજમાની કરી હતી. ઝિમ્બાબ્વેની ટીમ ૨૦મી ઓક્ટોબરે પાકિસ્તાન પહોંચશે અને મુલ્તાન તથા રાવલપિંડી ખાતે ટી૨૦ અને વન-ડે મેચોનું આયોજન થાય તેવી સંભાવના છે. પીસીબીના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ બંને સેન્ટર અંગે વિચારણા થઈ રહી છે કારણ કે, બંને કોરોનાના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોની વચ્ચે સુરક્ષિત માહોલમાં નેશનલ ટી૨૦ ચેમ્પિયનશિપની યજમાની કરશે.