મોરિશિયસના પ્રમુખનું લગેજ વધારે હોવાથી વારાણસી એરપોર્ટ ખાતે અટકાવાયા

March 01, 2020

વારાણસી : એક તરફ તો ભારતીય પ્રવાસન વિભાગ વિદેશીઓને ભારત આવવા આકર્ષે છે તો બીજી તરફ અતિથી દેવોને સામાન વધારે હોવાના બહાને હરેના કરવામાં આવે છે. આવો જ એક કિસ્સો વડા પ્રધાન મોદીના મત વિસ્તાર વારાણસીમાં જોવા મળ્યો હતો.

મોરિશિયસના પ્રમુખ પૃથ્વીરાજ રૂપન દિલ્હી જઇ રહ્યા હતા ત્યારે વારાણસી એરપોર્ટ ખાતે તેમને સામાન વધારે હોવાનું કહીને રોકી દેવામાં આવ્યા હતા, પરંતુ ઉચ્ચ અધિકારીઓ આ દ્રશ્ય જોઇ જતાં તેમને જવા દીધા હતા.

મોરિશિયસના પ્રમુખ તેમના છ સભ્યોના પ્રતિનીધી મંડળ સાથે મંદિરોની નગરી વારાણસી માં બે દિવસની  મુલાકાતે આવ્યા હતા.એર ઇન્ડિયાના એક અધિકારીએ  લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે  રૂપનને રોકી વધારે સામાનનું પેમેન્ટ કર્યા પછી જ તેમને જવા દેવાશે એવું કહ્યું હતું.એરપોર્ટના ડાયરેકટર આકાશદીપ માથુરે આ ઘટનાને સમર્થન આપ્યું હતું.જે ઘડીએ તેમને ખબર પડી તેઓ દોડીને આવ્યા હતા અને મધ્યસ્થી કરી હતી.

જિલ્લા મેજીસ્ટ્રેટ કૌશલ રાજે પણ એર ઇન્ડિયાના સ્ટાફ સાથે વાત કરી હતી.છતાં તેમણે કાર્યવાહી કરવાની જીદ પકડી હતી. ત્યાર પછી અધિકારીઓએ ઉડ્ડયન મંત્રાલય સાથે વાત કરી હતી અને એર ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીને વ વિદેશી મહેમાન પાસેથી વધારાનો ચાર્જ નહીં લેવા કહેવામાં આવ્યું હતું. અંતે તેમને જવા દેવાયા હતા.