નિર્ભયાના દોષી પવન ગુપ્તાની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી

March 04, 2020

નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષી પવન ગુપ્તાની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે 2012માં ચકચારી મચાવેલા દિલ્હી ગેંગરેપ કેસના ચાર દોષિતમાંથી એક પવન કુમાર ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં 28 ફેબ્રુઆરી 2020ના રોજ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી હતી. જેમાં પવન ગુપ્તાએ કોર્ટને પોતાની મોતની સજાને આજીવન કેદમાં બદલવાની અપીલ કરી હતી. આ ઉપરાંત ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા બજાવવા આપેલા બ્લેક વોરન્ટ સામે સ્ટે આપવાની પણ અરજીમાં માંગ કરી છે. જોકે, સોમવારના રોજ સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

નિર્ભયા કેસના ત્રણ દોષિતો મુકેશ કુમાર, અક્ષય ઠાકુર અને વિનય કુમારની દયા અરજીને અગાઉ રદ કરવામાં આવી છે. મુકેશે દયા અરજી રદ કરવાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ પણ દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. પવને અત્યાર સુધી ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી નહતી. સુપ્રીમ કોર્ટે ક્યુરેટિવ પિટિશન ફગાવી દીધા બાદ દોષી પવન પાસે દયા અરજીનો એક વિકલ્પ બાકી હતો.