સોનાના એક તોલાનો ભાવ ૫૫,૮૦૦ ઉપર પહોંચ્યો

August 04, 2020

અમદાવાદ- વૈશ્વિક કારણોને આભારી દેશમાં સોનાની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે આ ભાવ પ્રતિ તોલા રુ. ૫૫,૮૦૦ના નવી રોકર્ડ કિંમતે પહોંચ્યા હતા. કોરોના કાળ વચ્ચે મંદીના વાતાવરણમાં સોનું એક સુરક્ષિત રોકાણ છે જેને કારણે તેમાં સતત માગ વધી રહી છે.

સોનાના ભાવ વધવા પાછળ આ સૌથી મોટું જવાબદાર કારણ છે. દેશ અને દુનિયામાં કોરોના વાયરસના કેસ જેમ જેમ વધી રહ્યા છે તેમ તેમ સોનામાં રોકાણ પણ વધી રહ્યું છે.

શુક્રવારે બજાર બંધ થયું ત્યારે સોનાનો પ્રતિ તોલા ભાવ ૫૫,૫૦૦ હતો જે સોમવારે માર્કેટ ઓનપ થતા જ ૩૦૦ રુપિયા વધી ગયો હતો. જોકે બીજી બાજુ સોનાના સતત વધી રહેલા ભાવથી જ્વેલરીની માગમાં ખૂબ જ મોટો ઘટાડો આવ્યો છે. આ કારણે ગુજરાતમાં જાન્યુઆરીથી જુલાઈ ૨૦૨૦ વચ્ચે સોનાની આયાત ગત વર્ષ ૨૦૧૯ના આ જ સમયગાળાની તુલનાએ ૬૮ ટકા જેટલી ઘટી ગઈ છે.

જ્વેલર્સનું કહેવું છે કે ઘરેણાની માગમાં આવેલ ઘટાડાની સીધી અસર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં કામ કરતા લોકો પર પડશે. આ સેક્ટરમાં રોજગાર ઘટશે. શહેરના એક મોટા સોની વેપારીએ કહ્યું કે 'આમ તો લોકડાઉન થયા બાદ ઘણાખરા કારીગરો પોતાના મૂળ વતન અને ગામડે ચાલ્યા ગયા છે અને કદાચ કયારેય પરત નહીં ફરી શકે. જ્યારે જે લોકો અહીં રહી ગયા છે તેમને પણ કામ શોધવામાં અને રોજગાર મેળવવામાં ફાંફા મારવા પડી રહ્યા છે. કારણ કે માગ એટલી ઘટી ગઈ છે કે નવી જ્વેલરી બનાવવાનું કામકાજ આજકાલ સાવ ઠપ્પ થઈ ગયું છે. લોકાડઉનમાં સોનામાં અતિશય ભાવ વધારો અને લોકોની આવકમાં ઘટાડા આ બંને કારણોની ઇન્ડસ્ટ્રી પર ખૂબ જ ખરાબ અસર થઈ રહી છે.