બેલ્જિયમના પ્રિન્સ સંક્રમિત, સ્પેનની એક પાર્ટીમાં સામેલ થયા બાદ હળવા લક્ષણો જોવા મળ્યા

May 31, 2020

વોશિંગ્ટન. વિશ્વમાં અત્યાર સુધીમાં 61 લાખ 54 હજાર 35 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 27 લાખ 34 હજાર 637 લોકો સાજા થયા છે. 3 લાખ 70 હજાર 893 લોકોના મોત થયા છે. બેલ્જિયમના પ્રિન્સ જોઆકિમ (28) કોરોના સંક્રમિત થયા છે. રોયલ પેલેસે શનિવારે કહ્યું હતું કે, પ્રિન્સ 26 મેના રોજ ઇન્ટર્નશીપ માટે સ્પેન ગયા હતા. બે દિવસ પછી, તે એક પાર્ટીમાં સામેલ થયા હતા. આ પછી, તેમનામાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે.

પ્રિન્સ જોઆકિમ બેલ્જિયમના રાજા ફિલિપના ભત્રીજા છે. સ્પેનના કોર્ડોબા શહેરમાં યોજાયેલી પાર્ટીમાં તે 27 લોકોમાંથી એક હત. સ્પેનમાં લોકડાઉનનાં નિયમો અનુસાર અત્યારે એકસાથે 15થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ હોવા છતાં આ પાર્ટી કરવામાં આવી હતી. હાલમાં આ પાર્ટીમાં જોડાયેલા તમામ લોકો કવોરન્ટીનમાં છે.

બ્રાઝીલમાં 24 કલાકમાં સંક્રમણના 30 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં દર્દીઓની સંખ્યા 5 લાખની નજીક પહોંચી ગઈ છે. 

બ્રાઝીલ: મોતનો આંકડો ફ્રાન્સથી વધુ
બ્રાઝીલમાં એક દિવસમાં 890 લોકોના મોત થયા છે. કુલ 28 834 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સંખ્યા યુરોપના ચોથા સૌથી વધુ સંક્રમિત દેશ ફ્રાન્સથી વધારે છે. ફ્રાન્સમાં અત્યાર સુધીમાં 28 હજાર 771 લોકોના મોત થયા છે. 

અમેરિકા: એક દિવસમાં 960ના મોત
અમેરિકામાં એક દિવસમાં 960 લોકોના મોત થયા અને 23 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં કુલ 1 લાખ 5 હજાર 557 લોકોના મોત થયા છે. જ્યારે 18 લાખ 16 હજારથી વધુ સંક્રમિત મળ્યા છે.