વિમ્બલ્ડન માટે ફિટ રહેવા રોજર ફેડરર ફ્રેન્ચ ઓપન અધવચ્ચેથી છોડે તેવી સંભાવના

June 07, 2021

નવી દિલ્હી: મહામ ટેનિસ ખેલાડીઓમાં જેની ગણના કરવામાં આવે છે તે રોજર ફેડરર ફ્રેન્ચ ઓપનના અંતિમ ૧૬ ખેલાડીઓમાં પહોંચી ગયો છે. રવિવારે ત્રીજા રાઉન્ડમાં ફેડરરે ડોમિનિક કોએફરને ૭-૬, ૬-૭, ૭-૬, ૭-૫થી પરાજય આપ્યો હતો. આ મેચ ત્રણ કલાક અને ૩૫ મિનિટ સુધી ચાલી હતી. આમ છતાં ફેડરર હવે ફ્રેન્ચ ઓપનમાંથી ખસી જવાનો વિચાર કરી રહ્યો છે. આ મેચ બાદ તેણે કહ્યું હતું કે, મને જાણ નથી કે હું રમી શકીશ કે નહીં. આગામી બે મહિનામાં ફેડરર ૪૦ વર્ષનો થઇ જશે. ફેડરરનો ચોથા રાઉન્ડનો મુકાબલો ઇટાલીના માટેઓ બેરેટિની સામે યોજાશે. મેચ બાદ ફેડરરે જણાવ્યું હતું કે મારે નક્કી કરવાનું છે કે રમવાનું જાળવી રાખવું છે કે નહીં. શું ઘૂંટણ પર વધારે પ્રેશર આપવું જોખમ ભરેલું છે? શું આ આરામ કરવા માટેનો સારો સમય છે?
૨૦ વાર ગ્રાન્ડ સ્લેમ વિજેતા ફેડરરે ૨૦૨૦માં ઘૂંટણની બે સર્જરી કરાવી છે. પાછલા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન પછી ફેડરર માટેની આ ફક્ત ત્રીજી ટૂર્નામેન્ટ છે. તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વર્ષે તેની પ્રાથમિકતા વિમ્બલ્ડન છે. વિમ્બલ્ડનનો આરંભ ૨૮ જૂને થઇ રહ્યો છે. ફેડરર વિમ્બલ્ડનના નવમા ખિતાબ માટે રમવા ઊતરશે. ત્રીજા રાઉન્ડમાં કોર્ટ પર સાડા ત્રણ કલાકના સંઘર્ષ બાદ ફેડરરે જણાવ્યું હતું કે દરેકે દરેક મેચમાં મારે સ્થિતિનું પુનઃમૂલ્યાંકન કરવું પડે છે અને બીજા દિવસની સવારે જોવાનું રહે છે કે હું કેવી સ્થિતિમાં બેઠો થાઉં છું અને મારા ઘૂંટણની સ્થિતિ કેવી છે.