માત્ર 45 કિમીની ઝડપે પવન ફૂંકાતાં રોપવે બંધ કરવો પડ્યો

November 21, 2020

જૂનાગઢ : જૂનાગઢના ગિરનાર પર્વત પર શરૂ કરાયેલા રોપવેને સવારે 9:30 વાગ્યા સુધી બંધ કરી દેવાની નોબત આવી હતી. ભારે પવન ફૂંકાતાં આ નિર્ણય લેવો પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન આ સાથે અગાઉ કરેલા, 180 કિમીની ઝડપથી પવન ફૂંકાય તોપણ વાંધો ન આવે એવા સ્ટ્રકચરના દાવાનો ફિયાસ્કો થયો છે. આ અંગે મળતી વિગત મુજબ, ઉષા બ્રેકો કંપની દ્વારા બનાવાયેલા ગિરનાર ટેમ્પલ રોપવેને 24 ઓકટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલી ઉદઘાટન સાથે ખુલ્લો મૂક્યો હતો.

દરમિયાન રોપવેની ટિકિટના ઊંચા ભાવને લઇને લોકોમાં ભારે રોષ છે. આ મામલે અનેક સંસ્થાઓ દ્વારા લડાઇ પણ ચલાવાઇ છે અને હજુ આગામી દિવસોમાં લડતને વધુ તેજ બનાવાશે. આમ, એક વિવાદ ઊભો છે ત્યાં બીજી ક્ષતિ સામે આવી છે. રોપવે દ્વારા અગાઉ એવો દાવો કરાયો હતો કે રોપવેનું સ્ટ્રકચર એ રીતે તૈયાર કરાયું છે કે 180 કિમીની ઝડપે પવન ફૂંકાય તોપણ વાંધો નહીં આવે.

બીજી તરફ, ગુરુવારની રાત્રિના 11 વાગ્યાથી જ ગિરનાર પર્વત પર 45 કિમીની ઝડપે તેજ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. પરિણામે, રોપવેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીને રોપવેને બંધ કરવાની ફરજ પડી હતી. શુક્રવારે સવારે 9:30 વાગ્યા બાદ પવનની ઝડપ ઘટતાં પ્રથમ સ્લો સ્પીડમાં અને બાદમાં નોર્મલ સ્પીડમાં રોપવે શરૂ કરવામાં આવ્યો છે.

આમ, માત્ર 45 કિમીની ઝડપે પવન ફૂંકાતાં રોપવે બંધ કરવાની નોબત આવતાં પ્રવાસીઓમાં પણ ભય ફેલાયો છે, કારણ કે ગિરનાર પર્વત પર તો શિયાળા અને ચોમાસામાં તેજ ગતિથી પવન ફૂંકાતા જ રહે છે, ત્યારે કોઇ અકસ્માત થવાની સંભાવનાને નકારી શકાય નહીં. આ બાબતને નજરઅંદાજ કરવાની કંપની હિમાકત ન કરે એ જરૂરી છે.