ભારતીય અર્થતંત્ર ડામાડોળ થવાના સંકેત, બેરોજગારીનો દર પણ વધ્યો

May 07, 2022

ભારતમાં અર્થતંત્ર ફરી ડામાડોળની સ્થિતિ તરફ જઈ રહ્યું હોય તેવા સંકેત બુધવારે રીઝર્વ બેંકે કરેલા નિર્ણય પરથી મળ્યો હતો. આરબીઆઈએ રેપો રેટ વધારતા જ હવે લોનનાં વ્યાજ વધશે. હોમ લોનથી માંડીને કોર્પોરેટ સુધીની બધી લોન મોંઘી થઈ જતા લોકો પર ભારણ વધશે. લોનનો હપ્તો વધે તેની અસર ચાલુ લોન પર પણ પડશે. તેથી અત્યારે લોન લીધી છે, તેનો હપ્તો પણ વધી જશે. ભારતમાં કોરોના કાળમાં આર્થિક રીતે પડેલા ફટકાથી લાખો લોકો આજે પણ બેહાલ છે. વેપાર-ધંધાની સ્થિતિ હજી પણ કોવિડ પહેલાના સમય જેવી થઈ નથી. તેવા સમયે દેશની પ્રજા માટે વધુ એક મુશ્કેલી આવી છે.
લાંબા સમય સુધી રાજકીય દબાણને શરણે થયા પછી અંતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વ્યાજ દરોમાં વધારો કરી દીધો હતો. બુધવારે રીઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંસ દાસ આ અંગે નિવેદન આપવાની હોવાથી વ્યાજ દર વધવાની અટકળો ચાલી હતી. આ સાથે જ શેરબજારોમાં પણ તેની અસર વર્તાવા માંડી હતી. દાસ જાહેરાત કરે એ પહેલા જ શેરબજારમાં કડાકો બોલાયો હતો. જે બાદ બપોરે દાસે સંબોધનમાં રેપો રેટમાં ૪૦ બેસિસ પોઈન્ટ એટલે કે ૦.૪૦ ટકાનો વધારો કરવાનું એલાન કર્યુ હતુ. દાસે રીવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા રાખ્યો છે પણ કેશ રીઝર્વ રેશિયો ૪ ટકાથી વધારીને ૪.૫૦ ટકા કરી નાંખ્યો છે. 
દાસે પ્રવચનમાં ફુગાવાનો દર વધશે એવો સંકેત પણ આપ્યો છે. અત્યારે જ છૂટક ફુગાવો સાત ટકા થઈ ગયો છે. જ્યારે જથ્થાબંધ ફુગાવો તો ૧૪ ટકાને પાર થઈ ગયો છે. દાસે વાત વાતમાં કહી દીધું કે, આ હજુ શરૂઆત છે અને લોકોએ હજુ મોંઘવારીનો વધારે માર સહન કરવા તૈયાર રહેવું પડશે. દાસે જેવી જાહેરાત કરી તે પછી શેરોની કિંમતમાં ફરી ધબડકો થવા લાગ્યો. બીએસઈ સેન્સેક્સ બીજા ૧૨૦૦ પોઈન્ટ તૂટીને ૫૬ હજારની અંદર ઉતરી ગયો. એનએસઈનો નિફ્ટી પણ સાડા ત્રણસો પોઈન્ટ ઉતરીને ૧૭ હજારની અંદર આવી ગયો. મોટાભાગના શેરોમાં કડાકો બોલી ગયો અને રોકાણકારોએ રાતા પાણીએ રડવાનો વારો આવી ગયો. 
રાષ્ટ્રીયકૃત, કોમર્શિયલ, સહકારી સહિતની બેંકો રીઝર્વ બેંક પાસેથી નાણાં લે તેના પર વ્યાજ ચૂકવે તેને રેપો રેટ કહેવાય છે. રીઝર્વ બેંકે રેપો રેટ ૪.૪૦ ટકા કર્યો તેનો અર્થ એ કે, બેંકો રીઝર્વ બેંક પાસેથી જે પણ ફંડ લે તેના ઉપર તેમણે વાર્ષિક ૪.૪૦ ટકા વ્યાજ ચૂકવવું પડશે. દેશની દરેક બેંકે તેને મળેલી ડીપોઝિટ્સમાંથી ચોક્કસ રોકડ રકમ સીક્યુરિટીના રૂપમાં રીઝર્વ બેંકમાં મૂકવી ફરજિયાત છે. આ રકમને કેશ રીઝર્વ કહેવાય છે.  ડીપોઝિટના જેટલા ટકા રકમ મૂકવી પડે તેને કેશ રીઝર્વ રેશિયો કહેવાય. રીઝર્વ બેંક બેંકો દ્વારા મૂકાતાં આ નાણાં ઉપર જે વ્યાજ ચૂકવે એ રીવર્સ રેપો રેટ કહેવાય છે. રીવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા જ રખાયો તેનો અર્થ એ થાય કે, બેંકો રીઝર્વ બેંકમાં જે ફંડ મૂકશે તેના પર તેમને વધારે વ્યાજ નહી મળે અને પહેલાંની જેમ જ ૩.૩૫ ટકા વ્યાજ મળશે.
રીઝર્વ બેંકે રેપો રેટ વધાર્યો તેથી બેંકોએ રીઝર્વ બેંક પાસેથી ઉંચા વ્યાજે નાણાં લેવા પડશે. તેના કારણે લોન ઉંચા વ્યાજે આપવી પડશે, તેથી લોનનાં વ્યાજ વધશે. હોમ લોનથી માંડીને કોર્પોરેટ સુધીની બધી લોન મોંઘી થશે. લોકો મોંઘવારીના મારથી આમ પણ બેવડ વળેલા છે ત્યાં હવે લોનના હપ્તા પણ વધશે તેથી લોકોની હાલત બગડશે. રીઝર્વ બેંકે લાંબા સમયથી વ્યાજ દર બદલ્યા નહોતા. છેલ્લે ૨૦૨૦ના મે મહિનામાં વ્યાજ દરો ઘટાડયા ત્યારથી રેપો રેટ ૪ ટકા ઉપર, જ્યારે રીવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા પર સ્થિર હતા. કોરોનાના કારણે ૨૦૨૦-૨૧નું નાણાંકીય વર્ષ બહુ કપરું સાબિત થયુ છે.
૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષ પર પણ આગલા વરસના ઓછાયા હતા. તેના કારણે ઉદ્યોગ-ધંધા હજુ મંદા જ છે ત્યાં વ્યાજ દર વધારાનો આકરો ડોઝ ભારતીય વેપાર ધંધાને અસર કરશે તે નિશ્ચિત છે. દાસે ફુગાવો વધ્યો તેના માટે રશિયા-યુક્રેન યુધ્ધને જવાબદાર ગણાવ્યું છે. આ યુધ્ધના કારણે ઘણ બધી ચીજોની ઉપલબ્ધતા પર અસર પડી છે તેથી ભાવ ઉંચકાઈ ગયા છે. ઉદાહરણ તરીકે યુક્રેનમાંથી મોટા પ્રમાણમાં સનફ્લાવર ઓઈલ આપણે ત્યાં આવતું હતું. યુધ્ધના કારણે યુક્રેનથી માલ આવતો નથી, તેમાં બજારમાં ખાદ્યતેલની અછત ઉભી થઈ, તેમાં બીજાં તેલના ભાવ વધી ગયા છે.  આ હાલત બીજી ઘણી ચીજોમાં પણ થઈ છે તેથી દાસની વાત સાવ ખોટી નથી પણ ભાવોને કાબૂમાં લેવામાં સરકાર નિષ્ફળ નિવડી છે એ પણ હકીકત છે.
જો કે, દાસ એ કોઈ રાજકીય હોદ્દેદાર કે સરકારના પ્રવક્તા નથી. એટલે તે આ બધી બાબતોની સ્પષ્ટતા નહીં કરે. પરંતુ ભારતમાં ચીજવસ્તુઓનો ભાવવધારો ચાલુ જ રહેશે તો સામાન્ય જનતાને માથે મોટી આફત નિશ્ચિત છે. પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ, દૂધ, શાકભાજી વગેરે જીવનજરૂરીયાચતની ચીજોના ભાવ પહેલાંથી આસમાને છે, હજુ તેમાં વધારો થશે. કોરોનાકાળ પછી આપણી નિકાસ વધી છે પણ જોઈએ એવા પ્રમાણમાં વધી નથી, વિદેશી રોકાણ પણ જંગી પ્રમાણમાં આવતું નથી. કોરોનાના કારણે લોકો પાસે હાથ પર બહુ રોકડ નથી, તેથી સ્થાનિક સ્તરે પણ લેવાલી નથી, તેથી બજારમા સુસ્તી છે.
બે દિવસ પહેલાં જ રીપોર્ટ આવ્યો છે કે, દેશમાં બેરોજગારી વધી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઓફ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના આંકડા પ્રમાણે, એપ્રિલમાં બેરોજગારીનો દર વધીને ૭.૮૩ ટકા થઈ ગયો છે. માર્ચમાં બેરોજગારીનો દર ૭.૬૦ ટકા  હતો તેમાં વધારો થયો છે. વળી આ વખતે તો ગામડાં કરતાં શહેરોમાં બેરોજગારી વધારે છે. માર્ચમાં શહેરોમાં બેરોજગારીનો દર ૮.૨૮ ટકા હતો એ વધીને ૯.૨૨ ટકા થયો છે. ભારતમાં શહેરો જંગી પ્રમાણમાં રોજગારી આપે છે. શહેરોમાં બેરોજગારી વધે તેનો અર્થ એ થાય કે, અર્થતંત્ર કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. મોદી સરકારે આ સ્થિતિનો ઉકેલ લાવવો પડશે. નહીંતર ભારતમાં સ્થિતિ વધુ વણસી જશે તે પણ નિશ્ચિત છે. છેલ્લા અઢી વર્ષથી ભારતમાં કોરોનાને કારણે વેપાર, ધંધા, ઉદ્યોગોને માઠી અસર પહોંચી છે. તેવા સંજોગોમાં રોજગારની ગાડી હજી પાટે ચઢી નથી ત્યારે આરબીઆઈ દ્વારા વ્યાજદરોમાં વધારાનો નિર્ણય પ્રજા માટે મોટી આફત નોતરશે તેવી શક્યતા વધુ છે. વાસ્તવમાં આરબીઆઈનું આ પગલું ભારતીય અર્થતંત્રની વર્તમાન સ્થિતિનો સ્પષ્ટ નિર્દેશ કરી રહ્યું છે.