નવા ડેલ્ટા વેરિઅન્ટ સામે વેક્સિનની અસર ઘટતી હોવાનાં સંકેતો : WHO

June 23, 2021

જિનિવા, નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નાં નિષ્ણાતે જણાવ્યું હતું કે હાલ વિશ્વનાં કેટલાક દેશોમાં સંક્રમણ વધારી રહેલા નવા ડેલ્ટા વેરિઅન્ટ સામે વેક્સિનની અસર ઘટી રહી હોવાનાં અહેવાલો મળી રહ્યા છે. જો કે હાલનાં તબક્કે વેકિસન ગંભીર બિમારી અને મૃત્યુને રોકવામાં અસરકારક રહી છે. ભવિષ્યમાં વાઈરસનાં સમૂહમાં મોટા મ્યૂટેશન આવી શકે છે. આ બદલાતા મ્યૂટેશનને કારણે વેક્સિન તેની અસરકારકતા ગુમાવી શકે છે.
ડેલ્ટા કે B.૧.૬૧૭.૨ વેરિઅન્ટમાં મ્યૂટેશનથી બનેલા નવા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ભારત તેમજ યુકેમાં બીજી લહેર માટે જવાબદાર ગણવામાં આવે છે. WHO એ ચિંતાજનક ગણાવ્યો હોય તેવો આ ચોથો વેરિઅન્ટ છે. આને કારણે યુકેમાં હાલ દરરોજ ૧૦,૦૦૦થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે.
અમેરિકાનાં કેટલાક દક્ષિણનાં રાજ્યોમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે અહીં છેલ્લા બે અઠવાડિયામાં હોસ્પિટલોમાં નવા કેસની સંખ્યામાં ૩૦ ટકાનો વધારો થયો છે. લાખો લોકો દ્વારા વેક્સિન લેવામાં નહીં આવતા સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. બીજી તરફ ચીનનાં ગુઆંગડોંગ પ્રાંતનાં ડોનગુઆન શહેરમાં ડેલ્ટા વેરિઅન્ટનાં કેસ મળી આવતા આખા શહેરમાં વસતા લોકોના ટેસ્ટ કરાયા હતા. ઉપરાંત ઓસ્ટ્રેલિયાનાં સિડનીમાં ૬ દિવસમાં ૨૧ કેસ મળી આવતા તમામ લોકો માટે માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યો છે.