કશ્મીરમાં પરિસ્થિતિ એક વર્ષ પછી પણ નોર્મલ નથી, હવે અમેરિકાએ પણ કશ્મીર મુદ્દે ચિંતા વ્યક્ત કરી

August 06, 2020

વૉશિંગ્ટન : જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ કર્યાની પહેલી વરસીએ ચીને કહ્યું હતું કે જમ્મુ કશ્મીરમાં ભારતે લીધેલું પગલું ગેરકાયદે અને અમને અસ્વીકાર્ય છે. આવા સમયે અમેરિકા ભારતની પડખે રહેશે એવી સૌની માન્યતા હતી પરંતુ હવે અમેરિકાએ પણ સૂર બદલ્યો હતો અને અમેરિકાની વિદેશી બાબતોને લગતી સંસદીય સમિતિએ કહ્યું હતું કે એક વર્ષ પછી પણ જમ્મુ કશ્મીરની પરિસ્થિતિ સુધરી નથી, ત્યાં સ્થિતિ નોર્મલ નથી.

અમેરિકાએ ભારતને એવી શિખામણ આપી હતી કે  લોકશાહી મૂલ્યોનુ્ં જતન-સંવર્ધન કરો. યુએસ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ કમિટિ ઓન ફોરેન અફેર્સે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરને એક પત્ર લખ્યો હતો. એ પત્રમાં જણાવ્યા મુજબ ‘સંરક્ષણથી માંડીને પર્યાવરણ સુધીના વિવિધ મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચે પ્રવર્તતા સહકારથી અમે ખુશ છીએ. દ્વિપક્ષી સંબંધોને લીધેજ અમે કશ્મીરની પરિસ્થિતિ અંગે ચિંતિત છીએ. ભારત સરકારે 370મી કલમ રદ કર્યાને એક વર્ષ વીતી ગયું છતાં જમ્મુ કશ્મીરમાં પરિસ્થિતિ નોર્મલ થઇ નથી.’

આ પત્રમાં વધુમાં જણાવાયા મુજબ ‘જમ્મુ કશ્મીરમાં સંરક્ષણ બાબતમાં અને આતંકવાદ બાબતમાં સર્જાયેલા પડકારો બાબત અમે વાકેફ છીએ અને આપની સરકાર સાથે આ સમસ્યાના નિરાકરણ માટે કામ કરવા તૈયાર છીએ. સાથોસાથ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોનો પાયો લોકશાહી તથા સ્વતંત્રતાનાં મૂલ્યો પર આધારિત છે જેને આપણે સતત સાચવતા રહેવાનું છે.

ભારત અમેરિકા વચ્ચેના સંબંધોમાં અનેકતા વચ્ચે એકતાની ચાવી સુદ્રઢ કરે છે એમ આ વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. અમે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ કરવા અને આગળ વધારવા ઉત્સુક છીએ,’  આ પત્ર દ્વારા અમેરિકાએ જમ્મુ કશ્મીર અંગે ચીન જેવોજ અભિપ્રાય વ્યક્ત કર્યો એવું રાજકીય સમીક્ષકો માને છે.