બાંગ્લાદેશમાં સ્થિતિ વધુ વણસી, ક્રિકેટરો ટાર્ગેટ બન્યા, ટીમના પૂર્વ કેપ્ટનના ઘરમાં આગ ચાંપી

August 06, 2024

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં જનતા વર્તમાન શેખ હસીના સરકાર સામે બળવા પર ઉતરી આવી છે. હજારોની સંખ્યામાં લોકોએ શેખ હસીનાના નિવાસ સ્થાન તરફ કૂચ કરી હતી, જેને પગલે હસીનાએ વડાપ્રધાનપદેથી રાજીનામુ આપી દીધુ હતું અને તેઓ બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા હતા. જોકે,

ત્યારબાદ પાડોસી દેશમાં હિંસા વધુ ફેલાઈ ગઈ છે. સ્થિતિ એટલી વણસી ગઈ છે કે, ત્યાં ક્રિકેટરો પણ ટાર્ગેટ બન્યા છે. દેખાવકારોએ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મશરફે બિન મુર્તઝાના ઘરમાં પણ આગ ચાંપી દેવામાં આવી છે. 

હકીકતમાં મશરફે મુર્તઝા આ વર્ષે બાંગ્લાદેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી દરમિયાન શેખ હસીનાની પાર્ટી તરફથી ખુલના ડિવિઝનના નરેલ-2 મતવિસ્તારથી ચૂંટણી લડ્યા હતા. એટલું જ નહીં મશરફે મુર્તઝા બીજી વખત આ વિસ્તારમાંથી ચૂંટણી પણ જીત્યા હતા. બાંગ્લાદેશમાં શેખ હસીના વિરુદ્ધમાં વિદ્યાર્થીઓ દ્વારા શરૂ થયેલ આંદોલન બાદમાં હિંસક અને ઉગ્ર બની ગયું હતું. આ દરમિયાન શેખ હસીનાએ સોમવારે દેશ છોડી દીધો હતો. પીએમએ દેશ છોડ્યા બાદ બદમાશોએ મશરફે મુર્તઝાના ઘર પર હુમલો કર્યો અને તેને આગ ચાંપી દીધી હતી.

મશરફે બિન મુર્તઝાએ ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ વર્ષ 2018માં શેખ હસીનાની આવામી લીગમાં સામેલ થયો હતો. અહીંથી તેમણે પોતાના રાજકીય કારકીર્દીની શરૂઆત કરી અને સતત બે વખત ચૂંટણી જીતી હતી. 

મશરફે મુર્તઝાએ 117 મેચમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમની કમાન સંભાળી હતી. આ ઉપરાંત મશરફે મુર્તઝાએ ટીમ માટે 36 ટેસ્ટ, 220 વનડે અને 54 T20 મેચ રમી હતી. 36 ટેસ્ટ મેચોમાં પૂર્વ કેપ્ટને બેટિંગ દરમિયાન 797 રન બનાવ્યા અને તેમણે 78 વિકેટ ઝડપી હત. આ સિવાય વન ડેમાં 270 વિકેટ અને 1787 રન બનાવ્યા હતા. T20માં 42 વિકેટ અને 377 રન બનાવ્યા હતા.