દેશમાં રાષ્ટ્રવાદ અને 'ભારત માતાની જય'ના નારાનો દુરૂપયોગ થઈ રહ્યો છે

February 23, 2020

નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ ઉપર આધારિત પુસ્તકનું વિમોચન કર્યું હતું. એ વખતે તેમણે કહ્યું હતું કે અત્યારે રાષ્ટ્રવાદનો ખોટો અર્થ થઈ રહ્યો છે. રાષ્ટ્રવાદ માત્ર નારેબાજીમાં નથી. એમાં એક વિશુદ્ધ ભાવનાત્મક જોડાણ છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કાર્યક્રમમાં કહ્યું હતું કે અત્યારે દેશમાં રાષ્ટ્રવાદ અને ભારત માતા કી જયનો ઉપયોગ ભારતની ઉગ્ર ઈમેજ બનાવવા માટે થઈ રહ્યો છે. આ નારાથી હિંસા અને ઉગ્રતા ફેલાવવામાં આવે છે, પરંતુ હકીકત એ છે કે એમાં દેશદાઝ અને દેશ પ્રત્યેની નિષ્ઠાનો પણ સમાવેશ થાય છે. તેને સાચા અર્થમાં સમજવાની જરૂર છે.

નેહરૂના પ્રદાન અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે આજે તેમને બદનામ કરવામાં આવે છે અને તેમના વિશે જૂઠાણા ફેલાવાઈ રહ્યા છે, પરંતુ તેમણે દેશને એવા સમયમાં સક્ષમ નેતૃત્વ પૂરૂં પાડયું હતું કે જ્યારે દેશ અસ્થિર હતો અને બહુ જ ગંભીર દૌરમાંથી પસાર થઈ રહ્યો હતો.

જવાહરલાલ નેહરૂ માત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જ ન હતા, પરંતુ એક વિચારક તરીકે અને દીર્ઘદ્રષ્ટા તરીકે તેમણે દેશમાં શિક્ષણ સંસ્થા અને સાંસ્કૃતિક સંસ્થાઓનો પાયો નાખ્યો હતો એવું મનમોહન સિંહે કહ્યું હતું. 

હૂ ઈઝ ભારત માતા નામના પુસ્તકના વિમોચન દરમિયાન મનમોહન સિંહે કહ્યું હતું કે વર્તમાન વાતાવરણ જ એવું બનાવાયું છે કે જેમાં નેતાઓ અને કાર્યકરો ઈતિહાસ વાંચવાનું ધૈર્ય રાખ્યા વગર જ ટીકા-ટિપ્પણી કરે છે.