કોરોનાના હાહાકાર વચ્ચે તસ્કરે કોરોનાની ટેસ્ટ કિટનો થેલો ચોરી લીધો

March 23, 2020

વૉશિંગ્ટન : અમેરિકામાં કોરોનાએ મચાવેલા હાહાકાર વચ્ચે હવે તસ્કરો કોરોનાની ટેસ્ટ કિટ પર પણ હાથ સાફ કરવા માંડ્યા છે.

અમેરિકાના એરિઝોના રાજ્યમાં એક હેલ્થ સેન્ટરમાંથી એક થેલો ભરીને ટેસ્ટ કિટ ચોરાઈ જતા હડકંપ મચી ગયો હતો.એ પછી જ્યારે તપાસ શરુ થઈ ત્યારે સીસીટીવીમાં એક યુવક ટેસ્ટ કિટ ભરેલો થેલો લઈને જતો નજરે પડ્યો હતો.

સ્થાનિક પોલીસે હવે આ યુવકની તસવીર બહાર પાડીને લોકોને તેની ઓળખ કરવામાં મદદ કરવાની અપીલ કરી છે.પોલીસને જાણકારી મળી છે કે, ચોરી કરનાર યુવક ડિલિવરી ડ્રાઈવરના વેશમાં હેલ્થ સેન્ટરમાં ઘુસ્યો હતો.દરમિયાન હેલ્થ સેન્ટરે લોકોના ટેસ્ટ કરવા માટે નવી કિટો મંગાવી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કોરોનાના કારણે 35000 લોકો સંક્રમિત થયા છે અને 450 થી વધારે લોકોના મોત થયા છે.દેશમાં હવે ટેસ્ટ કિટની પણ અછત સર્જાવાના એધાણ વરતાઈ રહ્યા છે.