પ્રતિબંધો મૂકાતા દક્ષિણ આફ્રિકાનું દર્દ છલકાયું- ઓમિક્રોનની ઓળખની ‘સજા’ મળી

November 28, 2021

કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનએ દુનિયાભરમાં ફરીથી દહેશત ફેલાવી દીધી છે. દુનિયાના કેટલાંય દેશોએ દક્ષિણ આફ્રિકા પર કેટલાંય પ્રકારના પ્રતિબંધો મૂકી દીધા છે. કેટલાંય દેશોએ દક્ષિણ આફ્રિકાથી આવનારા ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો તો કોઇએ ત્યાંથી આવનારા લોકો માટે ક્વોરેન્ટીનનો નિયમ લાગૂ કરી દીધો છે. પ્રતિબંધો લગાવા પર દક્ષિણ આફ્રિકાનું દુ:ખ છલકાયું છે. તેમણે કહ્યું કે અમને કોવિડના નવા વેરિઅન્ટની ઝડપી ઓળખ કરવાની ‘સજા’ મળી રહી છે.

આખી દુનિયામાંથી પ્રતિબંધો મૂકાતા દક્ષિણ આફ્રિકાનું દર્દ છલકાયું છે. તેમણે કહ્યું કે તેને ઝડપથી નવા વેરિઅન્ટની ઓળખ કરવાની ‘સજા’ મળી રહી છે. દક્ષિણ આફ્રિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન એન્ડ કોઓપરેશન (DIRCO) એ એક નિવેદન બહાર પાડીને દુનિયાભરના નેતાઓને પ્રતિબંધો ના મૂકવાની અપીલ કરી છે. ટ્રાવેલ બેન પર નિવેદન આપતા કહ્યું કે એડવાન્સ જીનોમિક સિક્વેંસિંગ અને ઝડપથી નવા વેરિઅન્ટની ઓળખ કરવા માટે સજા મળી રહી છે.

વિજ્ઞાનના વખાણ થવા જોઇએ અને તેને સજા આપવી ના જોઇએ. DIRCO એ એમ પણ કહ્યું કે કેટલાંય દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ સામે આવી રહ્યા છે અને તેમાંથી કેટલાંય કેસની દક્ષિણ આફ્રિકા સાથે કોઇ લિંક નથી. વિદેશ મંત્રી નાલેદી પંડોર એ પણ દક્ષિણ આફ્રિકા પર ટ્રાવેલ બેન લગાવા પર યુકે સહિતના કેટલાંય દેશોની આલોચના કરી છે.