રાજ્ય સરકારે જૂની ગાઈડલાઈનમાં કર્યો ફેરફાર, હવે પેક કવરમાં પ્રસાદ મળી શકશે

October 14, 2020

ગાંધીનગરઃ કોરોના મહામારીના કારણે રાજ્ય સરકારે દિવાળી-નવરાત્રિ જેવા તહેવારો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. રાજ્ય સરકારે બહાર પાડેલી કોરોના ગાઈડલાઈનમાં પણ નવરાત્રિમાં 200 લોકો જ ભેગા થવા અને કોઈ પણ જાતના પ્રસાદ વિતરણ ન કરવાની જાહેરાત કરાઈ હતી. જેના કારણે અસંખ્ય માઈ ભક્તોની લાગણી દુભાઈ હતી. પરંતુ આજે મંદિરોમાં પ્રસાદવ અંગે કેબિનેટની બેઠકમાં એક મોટો નિર્ણય કર્યો છે. આજની કેબિનેટની બેઠકમાં મંદિરોમાં પ્રસાદ અંગે રાજ્ય સરકારે માઈ ભક્તોને એક ખુશખબર આપ્યા છે. હવેથી મંદિરમાં પેકકવરમાં પ્રસાદ વહેંચી શકવાનો નિર્ણય લીધો છે. સરકારે પોતાની જૂની ગાઈડલાઈનમાં ફેરફાર કર્યો છે. ત્યારબાદ રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાહેજાએ પોતાનું નિવેદન આપ્યું છે. પ્રદીપસિંહ જાડેજાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, કોઈપણ મંદિર દર્શન માટે બંધ કરાયા નથી. મંદિરમાં પૂજા – આરતી, હવન વગેરે ચાલુ જ છે. કેટલાક મંદિરના ટ્રસ્ટીઓએ આ નિર્ણય લીધો છે. નવરાત્રીમાં પ્રસાદ માટેની SOPમાં ફેરફાર કરી પેકેટમાં પ્રસાદની છૂટ આપવામાં આવી છે. એક વ્યક્તિ જેટલો પ્રસાદ વિવિધ પેકેટમાં પેક કરીને એક ટેબલ પર મૂકી દેવાય, જેથી એને વહેંચવાની જરૂર જ ન રહે. દરેક વ્યક્તિ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી જાતે જ પ્રસાદ લઇ લે. પ્રસાદને પેક કરતાં પહેલાં હાથને સેનિટાઇઝ કરી દેવા, જેથી તે સુરક્ષિત થઇ જાય.