નોર્થ યોર્ક મસ્જિદમાં ધમાલ અને તોડફોડ મામલે શકમંદની ધરપકડ, પાંચ હજાર ડોલરનો દંડ 

November 22, 2021

  • સીસીટીવી ફુટેજને આધારે પોલીસ દ્વારા તપાસ, ઘટનાને વખોડી કઢાઈ 
ટોરોન્ટો : ટોરોન્ટો પોલીસે નોર્થ યોર્ક મસ્જિદમાં ધમાલ મચાવવા અને ભાંગફોડ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ બનાવ પછી થોડા સમયમાં જ પોલીસ અધિકારીએ ટોરોન્ટો એન્ડ રિજન ઇસ્લામિક કોંગ્રીગેશન (તા.રિ.ક.) ઇસ્લામિક સેન્ટર ખાતેથી 9મી નવેમ્બરમાં રોજ એક શકમંદની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, સીસી ટીવીના ફુટેજની તપાસ દરમિયાન બહાર આવ્યુ હતું કે, એક વ્યક્તિ મોટા પથ્થર સાથે સાંજે 7 વાગ્યા પહેલા દાખલ થઇ રહ્યો છે. ત્યારબાદ આ વ્યક્તિએ પથ્થરને બારી પર ફેંક્યો હતો અને બારીને નુકશાન થયું હતું. જે બાદ તે પથ્થર નજીકની દીવાલ પાસે પડી ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટનામાં કોઈને ઇજા થઇ નથી. 50 વર્ષીય એક પુરુષની આ ભાંગફોડના આરોપ બદલ ધરપકડ કરી 5000 ડોલરનો દંડ ફટકાર્યો હતો. ટોરોન્ટો પોલીસના પ્રવક્તા ઇન્સ્પેક્ટર કીથ સ્મિથે આ બનાવને વખોડી કાઢ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પોલીસ આ બનાવ ઉપર સતત નજર રાખી રહી છે. દેશમાં બનતા આવા બનાવોથી દેશના તાંતણાઓને અસર પહોંચે છે. કોઈપણ ધાર્મિક જૂથોની આસ્થાને નુકશાન પહોંચાડવું એ ગુનો છે એમ રવિવારે સ્મિથે પત્રકારોને જણાવ્યું હતું. જોકે આ બનાવથી કોઈ શારીરિક ઇજા થઇ નથી, પરંતુ આવા બનાવો લોકોની શ્રદ્ધા અને સંવેદના તથા માનસિકતાને ભારે નુકસાન પહોંચાડે છે તેમ તેમણે ઉમેર્યુ હતુ. તેરિકના ચેરમેન હારુન સલામતે જણાવ્યું હતું કે આ બનાવ હેતુપૂર્વકનો અને ખતરનાક પ્રકારનો છે. કોઈપણ પૂજા સ્થળને નુકશાન પહોંચાડવાના બનાવો આજકાલ વધી રહ્યા છે. આ બનાવ પણ કોઈ એકલ દોકલ બનાવ નથી. મસ્જિદના ટ્રસ્ટીઓએ આ ભાંગફોડ નજરે જોઈ હતી અને તાત્કાલિક 911ની સેવાને બોલાવી હતી. મેયર ટોરીએ રવિવારે મસ્જિદની મુલાકાત લઇ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે દરેક પૂજા સ્થળોએ રવિવારના દિવસે ધમાલ મચાવવી અત્યંત સરળ છે. 4 મહિનામાં ભાંગફોડનો આ બીજો બનાવ છે. દુ:ખ સાથે નોંધ લેવી પડે છે કે, તેરિક ઇસ્લામિક સેન્ટર ખાતે બનેલો આ બનાવ આયોજિત ભાંગફોડનો બનાવ છે.