દેશનું તંત્ર માત્ર ત્રણ-ચાર લોકો માટે ચાલે છે, પ્રજા પર મોંઘવારીનું ભારણ', રાહુલના કેન્દ્ર પર પ્રહાર

February 12, 2024

કોરબા:  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' છત્તીસગઢ પહોંચી છે. તેમની યાત્રાની શરૂઆત મણિપુરથી થઈ હતી જે મુંબઈમાં સમાપ્ત થશે. આ યાત્રા બિહાર, ઝારખંડ, ઓડિશા થઈને છત્તીસગઢ પહોંચી છે. ત્યારે છત્તીસગઢમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આ સરકાર માત્ર થાળી વગાડે છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, બીજેપી સરકારે નોટબંધી અને ત્યારબાદ જીએસટી લાગુ કરી. સરકારના આ નિર્ણયોના કારણે નાના વેપારી તબાહ થઈ ગયા. તેમણે આરોપ લગાવ્યો કે, દરેક સેટક્ટરને કેટલાક લોકોમાં વહેંચવામાં આવી રહ્યા છે. રાહુલે કહ્યું કે, દેશમાં પાવર, ડિફેન્સ, હેલ્થ, રિટેલ, એરપોર્ટ આમ દરેક ઈન્ડસ્ટ્રીમાં પસંદ કરાયેલા લોકો છે. એનો અર્થ એ કે, દેશનું તંત્ર માત્ર 3-4 લોકો માટે ચલાવવામાં આવી રહ્યું છે, બાકીની જનતા પર મોંઘવારીનું ભારણ છે. આ જ આર્થિક અન્યાય છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, દેશમાં પછાત વર્ગના 50%, દલિત 16% અને આદિવાસી 8% છે. તેમની તમામ મહેનતની કમાણી મૂડીવાદીઓની કંપનીઓમાં જાય છે, જ્યારે તેમની કંપનીઓમાં કોઈ દલિત અને પછાત લોકો નથી. રાહુ ગાંધીએ કહ્યું કે, દેશના અલગ-અલગ સેક્ટરમાં દલિત-પછાતની ભાગીદારી નથી. બીજેપી હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે જ્યારે પછાત, દલિત અને આદિવાસી વર્ગને કંઈ નથી મળી રહ્યું. રામ મંદિર ઉદ્ધાટનના સમયે પણ એક પણ ગરીબ-મજૂર ખેડૂત નજર ન આવ્યો. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે 'ભારત જોડો ન્યાય યાત્રા' શરૂ કરી છે. પાર્ટીનું કહેવું છે કે આ યાત્રાનો હેતુ લોકોને ન્યાય આપવાનો છે. અગાઉ ભારત જોડો યાત્રા દક્ષિણમાં કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને ઉત્તરમાં કાશ્મીરમાં સમાપ્ત થઈ હતી. જોકે, આ વખતે યાત્રા ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરથી શરૂ થઈ છે જે માર્ચમાં મુંબઈમાં સમાપ્ત થશે. પાર્ટી આ યાત્રા દ્વારા પોતાનો જનાધાર મજબૂત કરી રહી છે.