તાલિબાનને અફઘાનિસ્તાને આપ્યું અલ્ટીમેટમ, પાકિસ્તાનને પણ ચેતવણી

July 21, 2021

કાબૂલ ઃ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું છે કે તાલિબાનના વલણથી લાગી રહ્યું છે કે તેઓ શાંતિ સ્થાપિત કરવા ઇચ્છુક નથી. આગળ તાલિબાનના વલણના આધાર પર જ સરકાર નિર્ણય લેશે. ઈદના અવસર પર પોતાના ભાષણમાં અશરફ ગનીએ કહ્યું કે, વાતચીત માટે દોહામાં એક ઉચ્ચ પ્રતિનિધિમંડળ મોકલવાનો ઇસ્લામિક રિપબ્લિક ઑફ અફઘાનિસ્તાનનો નિર્ણય એક અલ્ટીમેટમ હતું.
રાષ્ટ્રપતિના આ ભાષણથી થોડીવાર પહેલા જ કાબુલમાં અતિ સુરક્ષિત પ્રેસિડન્ટ પેલેસની પાસે રૉકેટમારો કરવામાં આવ્યો. રૉકેટ એટેક દરમિયાન પેલેસ પરિસરમાં લોકો નમાઝ અદા કરી રહ્યા હતા. જો કે આ હુમલા દરમિયાન કોઈ નુકસાન નથી થયું. આની અત્યારે કોઈ સંગઠને જવાબદારી નથી લીધી. સરકારમાં નંબર-2નો દરજ્જો રાખનારા અબ્દુલ્લા અબ્દુલ્લા મંગળવારના રૉકેટ હુમલા દરમિયાન પેલેસની અંદર જ હાજર હતા. તેઓ કતારમાં તાલિબાનની સાથે શાંતિ વાર્તા બાદ પરત ફર્યા છે.
ટોલો ન્યુઝ પ્રમાણે અશરફ ગનીએ કહ્યું કે, તાલિબાને ઘણી વાતો સ્પષ્ટ કરી. અબ્દુલ્લા અબ્દુલ્લાએ મને કેટલીક મિનિટ પહેલા જણાવ્યું હતું કે, તાલિબાન શાંતિ નથી ઇચ્છતું. અમે અલ્ટીમેટમ આપવા અને એ જણાવવા માટે પોતાનું પ્રતિનિધિમંડળ દોહા મોકલ્યું હતું કે અમે શાંતિ ઇચ્છીએ છીએ. અમે બલિદાન માટે પણ તૈયાર છીએ, પરંતુ તેમની શાંતિ માટે કોઈ ઇચ્છા નથી અને અમારે આના આધાર પર જ આગળ નિર્ણય લેવાનો છે.”
પોતાના ભાષણમાં અશરફ ગનીએ પાકિસ્તાન પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, પાકિસ્તાન પોતાની જમીન પર તાલિબાન શાસન નથી ઇચ્છતુ, પરંતુ મીડિયા અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન માટે અભિયાન ચલાવી રહ્યું છે. તેમણે પાકિસ્તાન પર તાલિબાન નેતૃત્વને આશરો આપવા અને સહાયતા કરવાનો આરોપ લગાવ્યો છે.