ભારતમાં ઈઝરાયલની 4 તકનીકોની ટ્રાયલ શરૂ, 30 સેકન્ડમાં જ મળશે કોરોના રિપોર્ટ

August 01, 2020

આ ટેસ્ટ માટે વ્યક્તિએ શ્વાસનળી જેવા ઉપકરણને ઝાટકો આપવો પડશે અથવા તેમાં બોલવું પડશે જે પરીક્ષણ માટે નમૂના એકત્રિત કરી લેશે


નવી દિલ્હી- દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ સંજોગોમાં માત્ર 30 સેકન્ડમાં વાયરસનું સંક્રમણ નક્કી કરવા માટે ઈઝરાયલના વૈજ્ઞાનિકોની એક ટીમ દ્વારા વિકસિત રેપિડ ટેસ્ટ કીટનું દિલ્હીની ડોક્ટર રામ મનોહર લોહિયા (આરએમએલ) હોસ્પિટલમાં ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકો 30 સેકન્ડમાં કોવિડ-19ના સંક્રમણને ઓળખી લેવા માટે આરએમએલમાં ચાર તકનીકોનું મૂલ્યાંકન કરી રહ્યા છે. 

તેમાં આશરે 10,000 લોકોનું બે વખત પરીક્ષણ કરવામાં આવશે. પહેલી વખત ગોલ્ડ સ્ટાન્ડર્ડ મોલ્યુક્યુલરવાળા આરટીપીસીઆર વડે અને પછી ચાર ઈઝરાયલી તકનીક વડે જેથી આ તકનીકોનું મૂલ્યાંકન કરી શકાય. સ્વૈબના નમૂના એકત્રિત કરવાની પદ્ધતિથી વિપરિત આ ટેસ્ટ માટે વ્યક્તિએ શ્વાસનળી જેવા ઉપકરણને ઝાટકો આપવો પડશે અથવા તેમાં બોલવું પડશે જે પરીક્ષણ માટે નમૂના એકત્રિત કરી લેશે. 


સંશોધકોના કહેવા પ્રમાણે જો આ તકનીક સફળ રહેશે તો તેનાથી માત્ર 30 સેકન્ડમાં કોરોનાનું પરિણામ મળી જશે. ઉપરાંત આ તકનીકો વ્યવસાયો માટે સુરક્ષિત રસ્તાઓ શોધી શકશે અને લોકો વેક્સિન વિકસિત થાય ત્યાં સુધી વાયરસ સાથે સરળતાથી રહેવામાં સક્ષમ બની શકશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર વિજય રાઘવને જણાવ્યું કે, 'નિદાનનું પરીક્ષણ ઈઝરાયલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) તથા વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઈઆર) વચ્ચે એક સહયોગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ટેરાહર્ટ્જ સ્પેક્ટ્રોસ્કોપી નામની પહેલી તકનીક વાયરસની ઓળખ મેળવવા પ્રયત્ન કરે છે. તેમાં એક ચિપ પર નમૂનો લઈને તેનું પરીક્ષણ કરવામાં આવે છે. તેમાં કોઈ રસાયણ વિજ્ઞાન કે રીએજન્ટ્સને સામેલ નથી કરવામાં આવતા જે વર્તમાન માનક પરીક્ષણમાં થાય છે. તેના પરિણામ એક મિનિટ કરતા પણ ઓછા સમયમાં મળી જાય છે.'

ભારતમાં ઈઝરાયલના રાજદૂત રોન મલકાએ જણાવ્યું કે, 'અંતિમ ઉત્પાદન બે કે તેનાથી વધારે તકનીકોનું એક સંયોજન બની શકે છે. બાદમાં આપણે જોઈશું કે કોવિડ-19થી પીડિત લોકોને ઓળખવા કઈ ચાર તકનીકો વધુ સારી રહેશે. તે આમાંથી બે તકનીકોનું સંયોજન પણ હોઈ શકે છે. ત્યાર બાદ અંતમાં નૈદાનિક પરીક્ષણ જોવાની આશા છે.' રાજદૂતના કહેવા પ્રમાણે ભારતની ઉત્પાદન ક્ષમતા આ પરીક્ષણો માટે પ્રાકૃતિક રીતે ફિટ છે.