રશિયાની વેક્સિનના ભારતમાં ટ્રાયલને આખરે મંજૂરી અપાઈ

October 18, 2020

નવી દિલ્હી : ભારતમાં રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિકનું સીધા બીજા ફેઝનું ટ્રાયલ શરૂ થશે. નવી સમજૂતી પ્રમાણે બીજા અને ત્રીજા ફેઝના ટ્રાયલમાં કુલ ૧૫૦૦ વ્યક્તિઓ સામેલ થશે. ભારતમાં સ્પુતનિક કોરોના વેક્સિનની ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થશે. ડ્રગ કંટ્રોલ બોડીએ તેના માટે મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે સમગ્ર વિશ્વમાં કોરોના વેક્સિન તૈયાર કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. ચીન અને રશિયા જેવા દેશોએ પોતાની વેક્સિન તૈયાર કરી લીધી છે.
રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ) અને ડોક્ટર રેડ્ડીસ લેબોરેટરીઝ લિમિટેડને ભારતમાં રશિયાની કોવિડ-૧૯ વેક્સિનના અંતિમ સ્ટેજના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. સ્પુતનિક-૫ વેક્સીને ભારતમાં મોટા પ્રમાણમાં ટ્રાયલ્સની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ બાદમાં ભારતીય રેગ્યુલેટર્સે તે મંજૂરી પાછી ખેંચી લીધી હતી. તેમણે કહ્યું હતું કે રશિયામાં આ વેક્સિનની ફેઝ-૧ અને ફેઝ-૨ની ટ્રાયલ ઘણા ઓછા પ્રમાણમાં થઈ હતી. વિદેશોમાં વેક્સિનનું માર્કેટિંગ કરી રહેલી આરડીઆઈએફ એ શનિવારે જણાવ્યું હતું કે નવા કરાર પ્રમાણે ભારતમાં હવે રશિયન વેક્સિનના બીજા અને ત્રીજા ફેઝની ટ્રાયલ શરૂ થશે. જેમાં ૧૫૦૦ લોકો ભાગ લેશે. આ કરાર પ્રમાણે ડોક્ટર રેડ્ડીસ ક્લિનિકલ ટ્રાયલ કરશે અને ભારતમાં તે વેક્સિનનું વેચાણ કરશે. આરડીઆઈએફ ડોક્ટર રેડ્ડીસને ૧૦૦ મિલિયન ડોઝ આપશે. ડોક્ટર રેડ્ડીસ અને રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ એક બહુ-કેન્દ્ર અને નિયંત્રીત ટ્રાયલ્સ હશે જેમાં સુરક્ષા અને એન્ટીબેડોઝનો અભ્યાસ કરવામાં આવશે. રશિયામાં એક વેક્સિન તરીકે રેજિસ્ટર થવામાં વેક્સિનની ટ્રાયલ ઘણા ઓછા લોકો પર કરવામાં આવી હતી તેથી ડીસીજીઆઈ દ્વારા શરૂઆતમાં તેને મંજૂરી આપવામાં આવી ન હતી. હવે રશિયન વેક્સિનની ૪૦,૦૦૦ લોકો પર ટ્રાયલ્સ કરવામાં આવી હતી.
રશિયા એવો પ્રથમ દેશ છે જેણે નોવલ કોરોના વાયરસની વેક્સિનને મંજૂરી આપી છે. બેલારુસ, વેનેઝુએલા અને યુએઈમાં પણ રશિયન કોરોના વેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. આરડીઆઈએફ દ્વારા ભારતીય ઉત્પાદક સાથે કરાર કર્યો જે મુજબ તેઓ પ્રથમ તબક્કામાં જ ૩૦૦ મિલિયન ડોઝ તૈયાર કરશે. હાલમાં મોસ્કોમાં ત્રીજા ફેઝની ટ્રાયલ ચાલી રહી છે જેમાં ૪૦,૦૦૦ લોકો સામેલ છે.