ઇરાન સાથે પૂર્વશરત વિના મંત્રણા કરવા અમેરિકાએ તૈયારી બતાવી

January 11, 2020

નવી દિલ્હી : છેલ્લા એક સપ્તાહથી અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની સંભાવનાઓનો બુધવારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દેશજોગ સંબોધનથી અંત આવી ગયો હતો. ઇરાન સાથે વધુ લશ્કરી અથડામણોમાંથી પીછેહઠ કરતાં ટ્ર્મ્પે જણાવ્યું હતું કે, તહેરાને હવે નમતું જોખ્યું હોય તેમ લાગી રહ્યું છે જે સંબંધિત તમામ પક્ષકારો અને વિશ્વ માટે સારી બાબત છે. અમે લીધેલાં પગલાંના કારણે કોઇ અમેરિકન કે ઇરાકીની જાનહાનિ થઇ નથી.

અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સે ગુરુવારે દાવો કર્યો હતો કે, અમેરિકાને એવી ગુપ્તચર માહિતી મળી છે કે ઇરાન તેના લડાકુઓને અમેરિકી નાગરિકો અને લક્ષ્યાંકો પર હુમલા નહીં કરવાના સંદેશો મોકલી રહ્યો છે. અમને આશા છે કે ઇરાન વતી લડી રહેલા લડાકુઓ તેના સંદેશાનું પાલન કરશે.

અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, અમેરિકા ઇરાન સાથે કોઇપણ પૂર્વશરત વિના ગંભીર મંત્રણા માટે તૈયાર છે. યુએન ખાતેના અમેરિકી રાજદૂત કેલી ક્રાફ્ટે આ પત્રમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ઇરાનને યુદ્ધ તરફ જતું અટકાવવા મંત્રણા થઇ શકે છે.

તેના જવાબમાં યુએનમાં ઇરાનના રાજદૂત મજીદ તખ્તે જણાવ્યું હતું કે, અમેરિકાની ઓફર અવિશ્વસનીય છે. એકતરફ અમેરિકા ઇરાન પર આકરા આર્થિક પ્રતિબંધ મૂકી રહ્યો છે અને બીજીતરફ મંત્રણાના પ્રસ્તાવ મૂકી રહ્યો છે. તહેરાન યુદ્ધ ઇચ્છતું નથી પરંતુ સ્વરક્ષણના તેના અધિકારનો ઉપયોગ જરૂર કરશે.