પૂણેના કોરોનાગ્રસ્તના કુટુંબ પર સોલાપુરના ગામે બહિષ્કાર મૂક્યો

March 12, 2020

મુંબઈ : વિશ્વભરમાં કોરોનાના વાયરસથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે પૂણેમાં પાંચ લોકોને કોરોના સંસર્ગ હોવાની માહિતી મળી છે. જેમાંના એક દર્દીના ઘર પર ગ્રામવાસીઓએ બહિષ્કાર મૂક્યાની ઘટના બહાર આવી છે. 

પૂણેમાં વસતી સોલાપુરની એક વ્યક્તિને કોરોના લાગુ પડયો છે. આથી 'અમને પણ આ રોગ થશે, તમે ગામ છોડીને જતાં રહો' એવું જણાવી તે વ્યક્તિના ઘર પર ગ્રામવાસીઓએ બહિષ્કાર કર્યો છે. તે વ્યક્તિના પરિવારજનોને સતત ગામ છોડીને જવા માટે કહેવાઈ રહ્યું છે અને માનસિક ત્રાસ અપાતો હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. જોકે આ સંપૂર્ણ પ્રકરણે વિભાગીય કમિશ્નર અને જિલ્લાધિકારીને ફરિયાદ કરાઈ છે.

કરોના વાયરસના પાંચ દર્દીઓમાંથી એક પોતાનો ભાઈ હોવાનું જણાતાં દર્દીના ભાઈએ ઘરે આવી બધાને વાત કરી. થોડાં સમયમાં સોશિયલ મીડિયા પર તેના ભાઈના નામ સાથે રોગની વાત ફેલાતાં અમુક ગ્રામવાસીઓએ તેમને સાંત્વના આપી તો અમુકે તેમને ઘર છોડી જતા રહેવા જણાવ્યું છે. દર્દીના ભાઈએ સૂત્રોને જણાવ્યાનુસાર, એક તરફ ભાઈ બિમાર છે તો બીજી તરફ ગ્રામવાસીઓના ત્રાસને કારણે મુશ્કેલીઓ વધી ગઈ છે. કપરી પરિસ્થિતિમાં ગ્રામવાસીઓએ પીઠબળ આપવું જોઈએ પરંતુ કંઈ જુદો જ અનુભવ અમને થયો છે. તેમણે અમારા ઘર પર જ બહિષ્કાર કર્યો છે. આથી ઘરના તમામ લોકો ચિંતામાં મૂકાયા છે. હવે સરકારે નિર્ણય કરી અમને આ સંકટમાંથી બહાર કાઢવા જોઈએ, એવી માગ કોરોનાગ્રસ્ત દર્દીના ભાઈએ કરી હોવાની માહિતી મળી છે.