પતિને જીતાડવા મેદાનમાં ઉતર્યા ઋષિ સુનકના પત્ની,

July 25, 2022

બ્રિટનના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર ઋષિ સુનક ચૂંટણી પ્રચારમાં જોર શોરથી જોડાયેલા છે. તેમને હવે તેમના પરિવારનો પણ સાથ મળ્યો છે. રવિવારે ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિએ પતિ માટે ચૂંટણી પ્રચાર કર્યો. આ દરમિયાન તેમના બાળકો પણ જોવા મળ્યા. ચૂંટણી પ્રચારમાં પોતાના પરિવારનો સાથ મળતા બ્રિટનમાં પીએમ પદના ઉમેદવાર ખુબ ખુશખુશાલ જોવા મળ્યા. તેમણે સોશિયલ મીડિયા પર પરિવાર સાથેની તસવીરો પણ શેર કરી. 

પરિવાર સાથે ખુશ જોવા મળ્યા ઋષિ સુનક
ઋષિ સુનક દ્વારા શેર કરાયેલી તસવીરોમાં તેઓ પત્ની અક્ષતા મૂર્તિ અને તેમની બે પુત્રીઓ સાથે જોવા મળી રહ્યા છે. તમામના ચહેરાઓ પર ખુશી જોવા મળી રહી છે. એક અન્ય ફોટામાં પરિવારના ચાર લોકો એક બીજા સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. ફોટામાં ઋષિ સુનક ચૂંટણી પ્રચાર સમયે પુત્રીનો હાથ પકડેલા પણ જોવા મળે છે. 

ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિ ભારતના સૌથી મોટા આઈટી કંપનીઓમાંથી એક એવા ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિના પુત્રી છે. અક્ષતા મૂર્તિ બ્રિટનના સૌથી અમીર મહિલાઓમાંથી એક છે. કહેવાય છે કે અક્ષતા મૂર્તિની સંપત્તિ બ્રિટનના મહારાણી એલિઝાબેથ કરતા પણ વધુ છે. સંડે ટાઈમ્સમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ જ્યાં ક્વીન એલિઝાબેથની સંપત્તિ 3500 કરોડ રૂપિયા છે ત્યાં અક્ષતાની સંપત્તિ લગભગ 4300 કરોડ રૂપિયા છે.