દુનિયાએ મજૂરોનું મરવાનું જોયું... મોદીસરકારને ખબર નથીઃ રાહુલ ગાંધી

September 15, 2020

લોકડાઉનમાં મજૂરોનાં મૃત્યુ થવાના મુદ્દા પર કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ મોદીસરકાર પર ટ્વીટ કરી નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ મંગળવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે 'મોદીસરકાર નથી જણાવતી કે લોકડાઉનમાં કેટલા મજૂરોનાં મૃત્યુ થયાં અને કેટલાએ નોકરીઓ ગુમાવી. તમે ન ગણ્યા એટલે શું મૃત્યુ નથી થયાં? હા, પણ દુઃખ છે સરકાર પર કોઈ અસર ન થઈ. તેમનું મરવાનું જોયું દુનિયાએ, એક મોદીસરકાર છે... તેને ખબર જ નથી.
કેન્દ્ર સરકારનું કહેવું છે કે તેમને ખબર નથી કે લોકડાઉન દરમિયાન ઘરે જતી વખતે કેટલા મજૂરોનાં મૃત્યુ થયાં. કોરોનાકાળમાં સંસદના પ્રથમ સત્રમાં જ સરકારે માન્યું કે તેમની પાસે પ્રવાસી મજૂરોનાં મૃત્યુ બાબતે કોઈ આંકડા નથી. 
સત્રના પહેલા દિવસે સાંસદોએ 230 પ્રશ્નો પૂછ્યા, જેમાંથી 31 શ્રમ અને રોજગાર મંત્રાલય સંબંધિત હતા, જેમાંથી 15 પ્રશ્ન કોરોના સમયગાળા દરમિયાન નોકરી ગુમાવવી, પરપ્રાંતીય મજૂરોનાં ઘરે પરત ફરતા દરમિયાન થયેલાં મૃત્યુ અને બેરોજગારી સંબંધિત હતા. 
એક એનજીઓ અનુસાર, 24 માર્ચથી 2 જૂન દરમિયાન થયેલા અકસ્માતમાં 198 કામદારોનાં મોત નીપજ્યાં હતાં. આ ઉપરાંત 3 મોટી દુર્ઘટનામાં 48 મજૂરોનાં મોત નીપજ્યાં હતાં. 16 મેના રોજ યુપીના ઓરૈયામાં ટ્રક અકસ્માતમાં 24 કામદારોનાં મોત નીપજ્યાં હતાં. 14 મેના રોજ મધ્યપ્રદેશના ગુનામાં ટ્રક-બસની ટક્કરમાં 8 કામદારોએ જીવ ગુમાવ્યો હતો. 14 મેના રોજ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ટ્રેનની ઝપેટમાં આવી જવાના કારણે 16 મજૂરોએ જીવ ગુમાવ્યો હતો.