ભારતમાં બનશે વિશ્વનો સૌથી ઉંચો રેલ બ્રિજનો પિલર, જાણો ખાસિયત

November 28, 2021

ભારતીય રેલવે રેલવે લાઇન નાખવાની પ્રક્રિયામાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. મણિપુરમાં રેલવે દ્વારા બનાવવામાં આવી રહેલી જિરિબામ-ઇમ્ફાલ રેલ લાઇન હેઠળ બાંધવામાં આવતા પુલ માટે ઊંચા થાંભલાઓનું નિર્માણ થઈ રહ્યું છે. મણિપુરની આ રેલવે લાઇનના નિર્માણ દરમિયાન રેલવેએ વિશ્વના સૌથી ઉંચા રેલવે પુલનો પિલર પણ બનાવ્યો છે. તેની કુલ ઊંચાઈ 141 મીટર છે. તે જિરિબામ-ઇમ્ફાલ રેલ લાઇનનો એક ભાગ છે. આ રેલ લાઈન 111 કિલોમીટર લાંબી છે. આ રેલ લાઇન ઇમ્ફાલને દેશના બ્રોડગેજ નેટવર્ક સાથે જોડે છે.

અગાઉ યુરોપના મોટિનેગરોના માલા-રિજેકા વાયડક્ટમાં રેલવે બ્રિજનો સૌથી ઊંચો પિલર હતો. તેની ઊંચાઈ 139 મીટર છે. પ્રોજેક્ટરના ચીફ એન્જિનિયર સંદીપ શર્માનું કહેવું છે કે મણિપુરમાં આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ 111 કિલોમીટરનું અંતર 2થી અઢી કલાકમાં કાપી શકાશે. જિરિબામથી ઇમ્ફાલનું અંતર 220 કિમી છે. જે 10 થી 12 કલાકમાં કાપી શકાશે.

તેમનું કહેવું છે કે બાંધકામ પૂર્ણ થયા બાદ નોની ઘાટી પર બનેલો આ પિલર સૌથી ઉંચો રેલવે બ્રિજ પિલર બની જશે. તેમણે માહિતી આપી છે કે આ પુલનું નિર્માણ કાર્ય ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

સંદીપ શર્માએ માહિતી આપી છે કે તેના પ્રથમ તબક્કા હેઠળ 12 કિમીની લાઇન શરૂ કરવામાં આવી છે. જયારે બીજા તબક્કાનું 98 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. તે ફેબ્રુઆરી 2022 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. પ્રોજેક્ટનો ત્રીજો તબક્કો ખોંગસાંગથી ટૂપુલ સુધીનું કામ નવેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ પછી, ચોથા તબક્કાનું ટૂપુલથી ઇમ્ફાલ વચ્ચેનું કામ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. તેમના મતે આ બ્રિજનો અંદાજિત ખર્ચ 374 કરોડ રૂપિયા છે.