ગોંડલમાં ઇલેક્ટ્રિક શોકથી યુવાનનું નિધન, દિવાળી પછી લગ્ન હતા

June 08, 2021

ગોંડલ :  ગોંડલના શ્રીરામ બિલ્ડર્સવાળા મનસુખભાઇ નાગજીભાઇ ચૌહાણના એકના એક પુત્ર અજય ચૌહાણ (ઉં.વ.25)નું ગઇકાલે બપોરે ઇલેક્ટ્રિક શોક લાગવાથી અવસાન થયુ હતું. વિધીના વક્રતા તો જુઓ કે અજયના લગ્ન દિવાળી પછી રાખવામાં આવ્યા હતા. પરિવારે લગ્નની તૈયારીઓ પણ ચાલુ કરી દીધી હતી. પરંતુ કુદરતે કંઇક અલગ જ વિચાર્યુ હોય તેમ અજયને પોતાની પાસે બોલાવી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. પિતાની ઇચ્છા મુજબ અજયના પાર્થિવદેહને વરરાજાની જેમ તૈયાર કરી સ્મશાનયાત્રા કાઢી હતી. બહેને ચોધાર આંસુ સાથે ભાઇની પીઠી ચોળી ભારે હૈયે વિદાય આપી હતી.

પિતા મનસુખભાઇની ઈચ્છા મુજબ બ્રાહ્મણને બોલાવી અજયને નવડાવીને વરરાજાની જેમ તૈયાર કર્યો હતો. તેમજ હાથમાં મીંઢળ બાંધી બહેનએ પીઠી ચોળી ગુલાબના ફુલનો હાર પહેરાવ્યો હતો. અતર છાંટીને એકદમ વરરાજાની જેમ તૈયાર કર્યા બાદ સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. શાંતિરથને પણ ફુલોથી શણગારવામાં આવ્યો હતો. સ્મશાનયાત્રા તેમના ઘરે ખોડિયારનગરમાથી નીકળી સ્મશાન સુધીના રસ્તામા ફુલોથી મહેકાવેલો હતો.
સ્મશાનયાત્રા દરમિયાન આજુબાજુના તમામ રહીશોની આંખોમા આંસુ છલકાતા જોવા મળ્યા હતા.

અજય તેમના માતા-પિતાનો એકનો એક દિકરો હતો. તેના લગ્ન પહેલા 21-05-2021ના રોજ રાખવામાં આવ્યા હતા. ગોંડલના માંડણકુંડલા ગામમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા મગનભાઈ મોરીની પુત્રી સાથે નિરધાર્યા હતા. પરંતુ તેમના પિતાની ઈચ્છા મુજબ ધામધૂમથી લગ્ન કરવાના હોવાથી લગ્ન દિવાળી પછી કરવા બન્ને વેવાઈ સહમત થયા હતા. પરંતુ ઈશ્વરી સંકેત અલગ હશે તેમ અજયે અણધારી વિદાય લેતા બંને પરિવાર આઘાતમાં સરી પડ્યા છે.