મોબાઈલમાં રેકોર્ડિંગ કરવા મૂકી યુવાને ફાંસો ખાઈ લીધો

October 09, 2022

મૂળ ઉત્તરપ્રદેશનો વતની રામઅચલ રોહિતલાલ મૌર્યા (ઉ.વ.૨૫) બહેન-બનેવી સાથે પાંડેસરા ખાતેના મહાદેવનગરમાં રહેતો હતો. રામઅચલ સચીન જીઆઈડીસીમાં આવેલા એમ્બ્રોઈડરીના કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરી વતનમાં રહેતા પરિવારને મદદરૂપ થતો હતો.

દરમિયાન શનિવારે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં બહેન ગુડીયા રામઅચલને બોલાવવા જતા તેની ફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ જોવા મળી હતી. બીજી બાજુ બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. રામઅચલે ઘરમાં પંખાના પાઇપ સાથે ચાદર બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પોલીસ જણાવી રહી છે.

મૃતક રામઅચલના બનેવી રાજકુમારે જણાવ્યું હતું કે, આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. રામઅચલને ફક્ત નવા નવા કપડા પહેરવાનો શોખ હતો. રામઅચલની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી તેની સામેની બાજુ મૂકેલો મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

જે રેકોર્ડીંગ કરવાના ઇરાદે મૂક્યો હોવાની શંકા છે. કારણ કે રામઅચલ મોબાઈલમાં નિયમિત લોક મારેલું રાખતો હતો. પરંતુ આ ઘટના સમયે તેના મોબાઈલમાં લોક નહોતું. જ્યારે મોબાઈલમાં કાંઈ રેકોર્ડીંગ પણ થયું નહોતું.