મુંબઈ અને પુણે સહિત પાંચ શહેરોમાં થિયેટરો, જીમ અને સ્વિમિંગ પુલ આજથી બંધ

March 15, 2020

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના ૧૭ દરદી મળી આવતાં આ બીમારીને ફેલાતી અટકાવવા અને સાવચેતીના પગલા તરીકે મુંબઈ, નવીમુંબઈ, થાણે, પુણે, પિંપરી-ચિંચવડ અને નાગપુર એમ પાંચ શહેરોમાં જીમનેશિયમ, સિનેમાગૃહ, નાટયગૃહ, સ્વિમિંગ પુલોને આજે મધરાત એટલે કે આજથી ૩૦ માર્ચ સુધી બંધ રાખવાની ઘોષણા આજે રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કરી હતી.

આ સિવાય પુણે તેમજ પિંપરી-ચિંચવડની શાળાઓ બંધ રાખવાની ઘોષણા કરી હતી. જ્યાં સુધી નવો આદેશ ન મળે ત્યાં સુધી શાળાઓ બંધ રાખવી. પણ ચાલી રહેલી દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષા નિયમિત અને સમયસર રહેશે, એમ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

તદ્ઉપરાંત સાવધાની તરીકે જરૂર વગર રેલવે કે બસના પ્રવાસ કરવાનું ટાળવું. આ સિવાય ગરદીવાળા ઠેકાણે તેમજ મોલ, હોટેલ, રેસ્ટોરન્ટ જવાનું ટાળવું. એવી અપીલ ઉદ્ધવ ઠાકરેએ કરી છે.

રાજ્ય શાસન તરીકે ખાનગી ક્ષેત્ર ખાનગી ક્ષેત્રની સર્વ કંપની અને માલિકોને અપીલ છે કે જો શક્ય હોય તો સર્વ કર્મચારીઓને કામ ઘરેથી કરવાની પરવાનગી આપવી એવી હિમાયત સુદ્ધા ઉદ્ધવ ઠાકરેએ કરી હતી.

ઈવેન્ટના કાર્યક્રમ, ધાર્મિક, સાંસ્કૃતિક, ક્રીડા, જાહેર સત્તાઓ વગેરે કરવાની પરવાનગી નહિ મળે અને અગાઉ આવા કાર્યક્રમની પરવાનગી લીધી હશે તેને રદ્બાતલ કરાશે, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે આપેલા સાત દેશની યાદીમાં ચીન, ફ્રાન્સ, દક્ષિણ કોરીયા, ઈટાલી, જર્મની, સ્પેન અને ઈરાનથી આવતાં તમામ પ્રવાસીઓની ચકાસણી કરવી તેમજ આપેલી ગાઈડલાન્સ મુજબ કાર્યવાહી કરાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

જો કે મહારાષ્ટ્રમાં દુબઈ અને અમેરિકાથી આવેલા દરદીઓને કોરોના વાઈરસ થયો છે. તે અંગે ધ્યાન કેન્દ્ર સરકારનું દોર્યું છે.

આ માટે પત્ર લખીને સાત દેશોમાં દુબઈ અને અમેરિકા દેશનું નામ ઉમેરવાનો અનુરોધ કરાયો છે, એમ તેમણે જણાવ્યું હતું.

રાજ્યમાં કોરોના વાઈરસના ૧૭ દરદીઓ પૈકી પુણેમાં ૧૦, નાગપુરમાં ત્રણ, મુંબઈનાં ત્રણ અને થાણેમાં એક દરદીનો સમાવેશ થાય છે. આ તમામ દરદીઓને આયસોલેસન વોર્ડમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે. આ દરદીઓ પૈકી એકાદ બે દરદી સિવાય બાકીના દરદી દુબઈ અને અમેરિકાથી પ્રવાસ કરીને ભારત આવેલા છે, એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

આ બીમારી માટે સાવચેતીના પગલા તરીકે લોકોએ એકબીજા સાથે હાથ મિલાવવા નહિં, ભેટવુ નહિં, ઉધરસ કે છીંક આવે તો નાક આગળ રૂમાલ ઢાંકી દેવો, મોઢા પર હાથ ફેરવો નહિં, હાથને સાબુથી ધોવા અથવા સેનેટાઈજનનો ઉપયોગ કરવો, એમ ઉદ્ધવ ઠાકરે જણાવ્યું હતું.