સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે તાજ મહેલને શણગારવા કોઈ વ્યવસ્થા નહીં, આગ્રાના તમામ સ્મારકો દેશભક્તિમાં તરબોળ

August 08, 2022

નવી દિલ્હી: દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 15 ઓગસ્ટે દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસરને ખાસ બનાવવા માટે સરકાર તરફથી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ખાસ આયોજન કરાઈ રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ડીપી (ડિસ્પ્લે પિક્ચર્સ) બદલ્યા છે. તેમણે પોતાના ડીપીમાં તિરંગાની તસવીર લગાવી છે. સાથે જ PM મોદીએ દેશની જનતાને પણ તિરંગો ફરકાવવાની અપીલ કરી છે અને દરેક ઘર પર તિરંગો ફરકાવવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. આ સિવાય સરકારી સંસ્થાઓ અને સ્મારકોને તિરંગાની રોશનીઓ વડે શણગારવામાં આવી છે. આગ્રામાં ઐતિહાસિક ઈમારતોને પણ શણગારવામાં આવી છે. આગ્રાનો લાલ કિલ્લો હોય કે અકબરનો મકબરો. તમામ ઐતિહાસિક સ્મારકોને તિરંગાના પ્રકાશથી શણગારવામાં આવ્યા છે.  પરંતુ તાજ મહેલમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો નથી. સાથે જ તાજ મહેલને શણગારવા માટે કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે તાજ મહેલમાં ઉજવણી કેમ નથી થતી? 
તાજ મહેલ ભારતનું પહેલું સ્મારક હતું. જેમાં રાત્રીના સમયે કોઈ તહેવાર નિમિત્તે રોશની પ્રગટાવવામાં આવી હતી. આગ્રા ટૂરિસ્ટ વેલફેર ચેમ્બરના સેક્રેટરી વિશાલ શર્માએ જણાવ્યું હતું કે, લગભગ 77 વર્ષ પહેલા માત્ર તાજ મહેલને જ રોશનીથી શણગારવામાં આવ્યો નહોતો પરંતુ સ્મારકની અંદર એક ભવ્ય ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 
સામાજિક કાર્યકર્તા વિજય ઉપાધ્યાયે દાવો કર્યો હતો કે, તાજ મહેલ છેલ્લે 20 માર્ચ 1997ની રાત્રે પ્રખ્યાત પિયાનોવાદક યાનીના શો દરમિયાન રોશની પ્રગટાવવામાં આવી હતી. આ કાર્યક્રમના બીજા દિવસે સવારે તાજ મહેલ પરિસરમાં ઘણા જીવજંતુઓ મરી ગયા હતા. ત્યારબાદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની કેમિકલ શાખા દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી.
સામાજિક કાર્યકર્તા વિજય ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ ઘટના બાદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે સ્મારકની અંદર કોઈપણ પ્રકારની રોશનીની મંજૂરી આપી નહોતી કારણ કે જંતુઓના મૃત્યુને કારણે તાજ મહેલ પર ડાઘ પડતો હતો. 1997થી તાજ મહેલ પર રોશની કરવા પર પ્રતિબંધ છે જે હજુ પણ યથાવત છે.
આ મામલે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.