એર ઇન્ડિયાનું લેવાલ કોઇ નથી, કેન્દ્ર સરકાર કાયમ માટે તાળું મારી દેશે ?

September 16, 2020

નવી દિલ્હી : સરકારી એર લાઇન એર ઇન્ડિયાનું ખનગીકરણ કરવાની કેન્દ્ર સરકારની ઇચ્છા બર આવે એવા અણસાર દેખાતા નથી. એર ઇન્ડિયાને વેચી નાખવા માટે કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત પછી હાલ એનું લેવાલ કોઇ દેખાતું નથી.

આ સંજોગોમાં કેન્દ્ર સરકાર એર ઇન્ડિયાને કાયમ માટે તાળું મારી દે એવી શક્યતા જણાતી હતી. હાલ એર ઇન્ડિયા પર રૂપિયા 60, 000 કરોડનું દેવું છે.

કેન્દ્રના જાહેર ઉડ્ડયન ખાતાના પ્રધાન હરદીપ સિંઘ પુરીએ એવો અણસાર આપ્યો હતો કે એર ઇન્ડિયા ખરીદવા કોઇ આગળ નહીં આવે તો મેાદી સરકાર એને કાયમ માટે તાળું મારી દઇ શકે છે. અત્યારે માત્ર બે વિકલ્પો છે - કાં તો એને વેચી દેવી અથવા એને તાળાં મારી દેવાં.

એરક્રાફ્ટ સુધારા ખરડાને રાજ્યસભામાં રજૂ કરવા પહેલાં હરદીપ સિંઘે મંગળવારે આ અણસાર આપ્યો હતો. જો કે એમણે એવી આશા વ્યક્ત કરી હતી કે એર ઇન્ડિયાને નવો માલિક જરૂર મળી જશે.

તેમણે એવી માહિતી પણ આપી હતી કે છેક 2011-12થી આજ સુધીમાં સરકાર એર ઇન્ડિયાને 30,520 કરોડ રૂપિયાની મદદ કરી ચૂકી છે.  આટલી રકમ શિક્ષણ, સ્વાસ્થ્ય કે સામાજિક કાર્યો પાછળ વાપરી શકાઇ હોત. પરંતુ એર ઇન્ડિયાના સેંકડો કર્મચારીઓને ખુવાર થતાં અટકાવવા સરકાર અત્યાર સુધી એ ઇન્ડિયાને સતત આર્થિક મદદ કરતી રહી હતી.

કેન્દ્ર સરકારે આ કંપની ખરીદવા માટેની બોલી લગાડવાની છેલ્લી તારીખ વધારીને ઑક્ટોબરની 30મી સુધી લંબાવી હતી. કોરોનાના  કારણે દુનિયા આખીના અર્થતંત્ર પર અસર પડી હતી. એ ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે બોલી લગાડવાની તારીખ લંબાવી હતી. એર ઇન્ડિયા વેચવાની તૈયારી આમ તો આ વર્ષના જાન્યુઆરીની 27મીથી સરકારે શરૂ કરી દીધી હતી.

એર ઇન્ડિયાની સ્થાપનામાં નિમિત્ત બનેલા તાતા ગ્રુપે એર ઇન્ડિયા ખરીદવાની તૈયારી દાખવી હતી.