ગુજરાતમાં ભાજપની સામે કોઈ પ્રતિસ્પર્ધી નથી- જેપી નડ્ડાએ કર્યો દાવો

September 20, 2022

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ સૌરાષ્ટ્રથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા


રાજકોટમાં નડ્ડાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓના મહાસંમેલનમાં હાજરી આપી, પંચાયતથી સાંસદ સુધીના 10 હજાર પ્રતિનિધિઓ કાર્યક્રમમાં હાજર રહ્યા. 

મોરબીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા મંગળવારે સૌરાષ્ટ્રના પ્રવાસે હતા. અહીંથી તેમણે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. રાજકોટમાં સંબોધન કરતા જેપી નડ્ડાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યાં હતા. તથા આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો દાવો પણ કર્યો હતો. 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ સૌરાષ્ટ્રથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. મોરબી અને રાજકોટમાં મુખ્યમંત્રી અને અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. રાજકોટ બાદ નડ્ડા મોરબી પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભવ્ય રોડ શો યોજ્યો, મોરબીના શનાળા રોડથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી યોજાયેલા રોડ શોમાં 50 હજારથી વધુ લોકો જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 


નડ્ડાએ દાવો કર્યો કે ગુજરાતમાં ભાજપની સામે કોઈ પ્રતિસ્પર્ધી નથી. હવે સવાલ એ ઉભો થાય છે કે નડ્ડાએ આખરે ચૂંટણી પ્રચાર માટે સૌરાષ્ટ્ર અને એમાં પણ મોરબી તેમજ રાજકોટની પસંદગી શા માટે કરી, તો તેનો જવાબ એ છે કે મોરબી ભૂતકાળમાં પાટીદાર અનામત આંદોલનનું એપીસેન્ટર હતું. પાટીદાર આંદોલનના કારણે ભાજપને સૌરાષ્ટ્રમાં નુકસાન થયું હતું. 2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપનું નબળું પ્રદર્શન રહ્યું. ભાજપને સૌરાષ્ટ્ર- કચ્છની 54માંથી ફક્ત 23 બેઠક મળી હતી. 2022માં પણ ભાજપ સામે કોંગ્રેસના મજબૂત ઉમેદવારો પડકારરૂપ છે.