નાણાની અછત નથી, દેશના માર્ગ બે-વર્ષમાં US જેવા બની જશે: ગડકરી

August 05, 2022

રાજ્યસભામાં ગુરુવારે પ્રશ્નકાળ દરમિયાન સવાલોનો જવાબ આપતાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મોટો વાયદો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ફક્ત બે વર્ષની અંદર ભારતના માર્ગો અમેરિકા જેવા થઇ જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ધનની કોઇ કમી નથી. કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો હતો કે 2024 સુધીમાં દેશમાં પાયાનું માળખું અમેરિકા જેટલું સારું થઇ જશે.

તેમણે દાવો કર્યો હતો કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા(NHAI) પાસે ધનની કોઇ કમી નથી તથા આર્થિક રીતે અત્યંત મજબૂત છે. સંસદમાં બોલતાં ગડકરીએ જણાવ્યું હતું કે હું વાયદો કરું છું કે 2024 પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની સડકોનું માળખું અમેરિકામાં છે તેવું જ હશે.

તેમણે જણાવ્યું હતું કે સરકાર આગામી ત્રણ વર્ષમાં દેશમાં 26 ગ્રીન એક્સ્પ્રેસ-વે બનાવવાની વ્યૂહરચના તૈયાર કરી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે તેના તૈયાર થવાની સાથે જ ફક્ત બે કલાકમાં દિલ્હીથી દહેરાદૂન, હરિદ્વાર કે જયપુરની યાત્રા થઇ શકશે.