કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની કોઈ જરૂર નહોતી, આ એક રાજકીય નિર્ણય હતો: રાજ્યસભા સાંસદ

May 21, 2024

રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે કહ્યું કે કલમ 370 નાબૂદ કરવી એ એક રાજકીય નિર્ણય હતો. કપિલ સિબ્બલે કહ્યું કે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની કોઈ જરૂર નહોતી. કારણ કે જમ્મુ અને કાશ્મીરમાં ભારતના 99% કાયદા પહેલાથી જ લાગુ છે. સિબ્બલે એમ પણ કહ્યું કે, જ્યાં સુધી 4 જૂનના રોજ પરિણામો અલગ નહીં આવે ત્યાં સુધી મને નથી લાગતું કે કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. તેમણે આગળ કહ્યું કે, કાશ્મીર હવે ભારત-પાકિસ્તાનનો મુદ્દો નથી, પરંતુ આપણી સરકાર અને કાશ્મીરના લોકો વચ્ચેનો મુદ્દો છે. તેઓ એ એસ દુલત, અસદ દુર્રાની અને નીલ કે અગ્રવાલનું પુસ્તક 'કોવર્ટઃ ધ સાયકોલોજી ઓફ વોર એન્ડ પીસ'ના વિમોચનના અવસર પર બોલ્યા હતા. તેમણે કહ્યું કે, 5 ઓગસ્ટ, 2019 બાદ બંધારણની કલમ 370 હટાવી દેવામાં આવી હતી. સરકારે કલમ 370 હટાવવાની કોઈ જરૂર નહોતી, કારણ કે કાશ્મીરમાં ભારતના 99% કાયદા પહેલેથી જ લાગુ છે. સિબ્બલે કહ્યું કે, તમે દેશના લોકોને કહેવા માગો છો કે જુઓ અમે આ કર્યું. સિબ્બલે લેખકોને કહ્યું કે, કાશ્મીરની જનતા પર તેનો પ્રભાવ પડ્યો છે, તે હવે આગળના પુસ્તકમાં જોવાનું રહેશે. તેમણે કહ્યું કે, કાશ્મીરના લોકો પર તેની શું અસર થઈ તે અમે હજું પણ નથી જાણતા. કદાચ સમય જ બતાવશે કે, તેની અસર થઈ.  તેમણે કહ્યું કે, મને યાદ છે કે આપણા ગૃહમંત્રી (અમિત શાહ)એ કહ્યું હતું કે, જ્યારે કાશ્મીરમાં બધું સ્થિર થઈ જશે ત્યારે ચૂંટણી કરાવવામાં આવશે. તેઓ 2019માં સંસદમાં હતા અને અમે 2024માં રસ્તા પર છીએ. હવે તેઓ વિધાનસભાની ચૂંટણી વિશે બિલકુલ પણ વાત નથી કરતા. તેમણે કહ્યું કે, સરકારે સંસદીય ચૂંટણીઓ કરાવવી પડશે કારણ કે બંધારણ તેને આ કરવાનો આદેશ આપે છે. સિબ્બલે કહ્યું કે, પરંતુ તથ્ય એ છે કે કેન્દ્રશાસિત પ્રદેશો છે અને જો તમારે રાજ્યનો દરજ્જો પાછો લાવવો હોય તો તેમણે ચૂંટણી કરાવવી પડશે. પુસ્તકના વિષય અંગે વાત કરતાં સિબ્બલે કહ્યું કે, પુસ્તકમાં દુલત અને દુર્રાનીએ અનુભવ્યું છે કે, બંને બાજુના લોકો શાંતિ ઈચ્છે છે, પરંતુ સત્તામાં બેઠેલા લોકો શાંતિ નથી ઈચ્છતાં, કારણ કે તે તેમને અનુકૂળ નથી. તેમણે કહ્યું કે, શાંતિની કિંમત યુદ્ધની કિંમત કરતાં વધુ છે, કારણ કે શાંતિની કિંમત પર ચૂંટણી હારવી, શાંતિની કિંમત પીઓકે છોડવું હોઈ શકે છે. શાંતિની કિંમતનો અર્થ એ છે કે, તમે છેલ્લા સિત્તેર વર્ષમાં જે કંઈ પણ કહ્યું છે તેનો અર્થ કંઈ નથી. તેમણે કહ્યું કે યથાસ્થિતિ જાળવી રાખવી સરળ છે, પરંતુ લોકો મરી રહ્યા છે.