નરોડામાં સાડા ત્રણ અને મણિનગરમાં બે ઈંચ વરસાદથી જળબંબાકાર

September 03, 2024

અમદાવાદમાં મોડી રાત્રીથી ઝરમર વરસાદ શરૂ થયો છે. જેમાં સમગ્ર અમદાવાદમાં આખી રાતથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ અમદાવાદમાં વરસાદ રહેશે. જેમાં અમદાવાદ ઉપરાંત ગુજરાતના અનેક જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ રહેશે. ગઇકાલે પણ દિવસભર ધીમી ધારે વરસ્યા બાદ સમીસાંજે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી.

પૂર્વમાં જળબંબાકારની સ્થિતિ છે. જેમાં નરોડામાં સૌથી વધુ સાડા ત્રણ અને મણિનગરમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. અમદાવાદ પર નવી સિસ્ટમ પુનઃ સક્રિય થઇ છે. જેમાં વરસાદથી ઠેરઠેર પાણી ભરાતાં રહીશો, વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. કોતરપુર, મેમ્કો, વટવા, નિકોલ, ઓઢવમાં પોણા બે ઈંચ, બીજી તરફ પશ્ચિમમાં અડધા ઈંચ જ વરસાદ છે.

સોમવારે સવારથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને દિવસ દરમિયાન શહેરમાં સરેરાશ સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદ પર નવી સિસ્ટમ પુનઃ સક્રિય થવા સાથે શહેરના પૂર્વ પટ્ટામાં બારે મેઘ ખાંગા થયા હતા અને નરોડામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.