ભારતના વિમેન્સ બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ત્રણ મેડલ નિશ્ચિત

May 17, 2022

ઈસ્તંબુલ: ભારતીય બોક્સરોએ સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવતાની સાથે તુર્કીમાં ચાલી રહેલી વિમેન્સ બોક્સિંગની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ત્રણ મેડલ નિશ્ચિત કરી લીધા હતા. ભારતની નિખત ઝરીન, મનીષા અને પરવીને પોતપોતાના ક્વાર્ટર ફાઈનલ મુકાબલા જીતી લઈને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. નિખત ઝરીને ૫૨ કિગ્રા વજન વર્ગની સ્પર્ધામાં ઈંગ્લેન્ડની ચાર્લે સિન ડેવિસને ૫-૦થી  હરાવીને આગેકૂચ કરી હતી. જ્યારે પરવીને ૬૩ કિગ્રા વજન વર્ગની ઇવેન્ટમાં તજાકિસ્તાનની શોરી ઝુલ્કાયનારોવાને એક તરફી મુકાબલામાં ૫-૦થી પરાજીત કરી હતી.
મનીષાએ ૫૭ કિગ્રા વજન વર્ગની સ્પર્ધામાં મોંગોલિયાની નામુન્ન મોન્ખોરને ૪-૧થી મહાત કરતાં અંતિમ ચારમાં એન્ટ્રી મેળવી લીધી હતી. તેલંગણાની નિખત ઝરીન ભૂતપૂર્વ વર્લ્ડ જુનિયર ચેમ્પિયન રહી ચૂકી છે. તે હવે બ્રાઝિલની કારોલીના ડે અલ્મેઈડા સામે ટકરાશે. જ્યારે ૨૪ વર્ષીય મનીષાનો મુકાબલો ઈટાલીની ઈરમા ટેસ્ટા સામે થવાનો છે. ભારતની નીતુ કુમારી ૪૮ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં કાઝખ્સ્તાનની એશિયન ચેમ્પિયન બાલ્કિબેકોવા સામે હારી જતાં ક્વાર્ટર ફાઈનલમાંથી જ બહાર ફેંકાઈ હતી. પૂજા રાની પણ ૮૧ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં ઓસ્ટ્રેલિયાની જેસિકા બાગ્લે સામે ૨-૩થી થોડા માટે ચૂકી ગઈ હતી.