હોકી વર્લ્ડ કપ માટે ત્રણ વર્ષ પછી ભારત આવી પાક.ની જુનિયર ટીમ

November 22, 2021

2018માં પાકિસ્તાનની સિનિયર હોકી ટીમ ભારત આવી હતી. ત્યારબાદ પાકિસ્તાની ખેલાડીઓને કોઈપણ ઈવેન્ટ માટે ભારત દ્વારા વિઝા અપાયા નહોતા

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિ ધીમેધીમે શાંત પડી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. તાજેતરમાં કરતારપુર કોરિડોર ખૂલ્યા બાદ હવે પાકિસ્તાન અને ભારત વચ્ચે વધુ એક ડિપ્લોમેટિક સંબંધ સુધર્યા છે. 2018 બાદ ત્રણ વર્ષે પાકિસ્તાની હોકી જુનિયર ટીમ ભારતના પ્રવાસે આવી છે. ભારતમાં રમાઈ રહેલા હોકી વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની જુનિયર ટીમ ભારત આવી પહોંચી છે. ભુવનેશ્વરમાં રમાઈ રહેલો વર્લ્ડ કપ 24 નવેમ્બરે શરૂ થશે અને પાંચ ડિસેમ્બર સુધી ચાલશે. મહત્ત્વની વાત એ છે કે, 2018માં પાકિસ્તાનની સિનિયર હોકી ટીમ ભારત આવી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ખાસ કરીને પઠાણકોટ અને ઉરી આતંકવાદી હુમલા બાદ બંને દેશોના સંબંધો વધારે તંગ થઈ ગયા હતા. 2014માં પાકિસ્તાની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ભારત આવી હતી. ત્યારબાદ 2016માં પાકિસ્તાની ટીમને વિઝા આપવામાં આવ્યા નહોતા. ત્યારથી આ તણાવ ચાલતો હતો. 2019માં પણ પાકિસ્તાનની શૂટિંગ ટીમ વર્લ્ડ કપમાં રમી શકી નહોતી કારણ કે ભારત દ્વારા તેમની વિઝા આપવામાં આવ્યા નહોતા. તે સમયે વર્લ્ડ કપ મુદ્દે ઘણો વિવાદ થયો હતો. ભારતે હવે પોતાની નીતિ હળવી કરતા પાકિસ્તાની ખેલાડીઓને વિઝા આપ્યા છે.