આપઘાત કરવા મહિલા 10માં માળે ચઢી ગઈ, ફાયરની ટીમે વાતોમાં ભેરવી બચાવ્યો જીવ

July 19, 2021

સુરત: સુરતમાં એક મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સુરતના વેસુમાં 10માં માળે મહિલા ચડી ગઈ હતી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે ફાયરની ટીમે મહિલાને વાતોમાં ભેરવી હતી અને મહિલાને બચાવી લીધી હતી. જે મહિલા આપઘાતનો પ્રયાસ કરવા માટ 10માં માળે ચઢી ગઇ હતી તેના પરિવારમાં બે સભ્યોના થોડા સમય પહેલા કોરોનાથી મોત થયા હતા. જેથી તે માનસિક તાણમાં રહેતી હતી.  ગત મોડી રાતનો આ બનાવ છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે રાત્રે વરસાદી માહોલ વચ્ચે વેસુ સ્થિત નંદનવન-1માં દસમા માળે ગેલેરીમાં આત્મહત્યા કરવાના ઇરાદે ઊભેલી લૂમ્સ કારખાનેદારની પત્નીને જોઈ લોકો અવાક થઈ ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે મહિલાને બચાવવા માટેના તમામ પગલા લેવા સાથે દસમા માળે જઈ ગેલેરીનો બહારથી બંધ દરવાજો તોડી ફિલ્મીઢબે તેણીને બચાવી લીધી હતી.

ફાયરબ્રિગેડને જાણ કરાતા અઠવા ઝોનના ઇન્ચાર્જ ડિવિઝનલ ફાયર ઓફિસર ઇશ્વર પટેલ લાશ્કરો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક વર્ષ દરમિયાન કાકા અને પિતાના મૃત્યુ બાદ ડિપ્રેશનમાં હોય તેણીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું ફાયરબ્રિગેડે જણાવ્યું હતું.