આજે સૂર્યદેવનો કુંભ રાશિમાં પ્રવેશ થયો:મેષ, ધન સહિત 5 રાશિને ફાયદો થશે, 7 રાશિના જાતકોએ એક મહિના સુધી સાવધાન રહેવું

February 13, 2023

સૂર્ય દેવ આજે કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ દિવસે સ્નાન, દાન અને પૂજાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ગંગા, યમુના અથવા કોઈપણ પવિત્ર નદી અથવા તળાવમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સંક્રાંતિ પર્વમાં સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ-સ્નાન અને પછી ઊગતા સૂર્યને અર્ઘ્ય આપવાની પરંપરા છે. અર્ક પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આવું કરવાથી દરેક પ્રકારની શારીરિક પરેશાનીઓ દૂર થઇ શકે છે. તો કુંભ સંક્રાંતિની તમામ 12 રાશિ પર શુભ અસર પડે છે. ચાલો... જાણીએ કે કુંભ સંક્રાંતિ શું છે, એનું શું મહત્ત્વ છે, 12 રાશિ પર એની શી અસર પડશે.

13 ફેબ્રુઆરીના દિવસે મનાવવામાં આવશે. કુંભ સંક્રાંતિનું પુણ્યકાળ મુહૂર્ત સવારે 7:02થી 9:57 સુધી રહેશે. પુણ્યકાળનો સમયગાળો 2 કલાક 55 મિનિટ રહેશે.

કુંભ સંક્રાંતિનું મહત્ત્વ
હિન્દુ ધર્મમાં પૂર્ણિમા, અમાસ અને એકાદશી તિથિનું જેટલું મહત્ત્વ હોય છે એટલું જ મહત્ત્વ સંક્રાંતિ તિથિનું પણ હોય છે. સૂર્યદેવ 13 ફેબ્રુઆરી 2023ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે.

સંક્રાંતિના દિવસ સ્નાન, ધ્યાન અને દાનથી દેવલોકની પ્રાપ્તિ થાય છે. કુંભ સંક્રાંતિના દિવસે સવારે વહેલાં ઊઠીને સ્નાન કરો અને સ્નાનમાં કરવાના પાણીમાં તલ જરૂર ભેળવવા જોઈએ. સ્નાન કર્યા પછી સૂર્ય દેવને અર્ઘ્ય આપો. ત્યાર બાદ મંદિરે જઈને શ્રદ્ધા પ્રમાણે દાન કરો. પોતાની ઈચ્છાથી બ્રાહ્મણોને ભોજન કરાવો. તલ અને ગોળથી બનેલી વસ્તુઓ ખાઓ.

આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સૂર્યદેવની આરાધના કરવી, તેમને અર્ઘ્ય અર્પણ કરવું અને આદિત્ય હૃદય શ્રોતનો પાઠ કરવાથી જીવનમાં આદર અને ઉચ્ચ સ્થાન સાથે સૂર્યદેવના અપાર આશીર્વાદ મળે છે.

કુંભ સંક્રાંતિના દિવસે દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. મકરસંક્રાંતિની જેમ કુંભ સંક્રાંતિના દિવસે દાન કરવાની ખૂબ જ જૂની પરંપરા છે. કુંભ સંક્રાંતિ પર કાળાં તલથી બનેલી વસ્તુઓનું દાન કરવાથી સૂર્યદેવ, ભગવાન વિષ્ણુજી અને શનિદેવ ત્રણેય પ્રસન્ન થાય છે. આ દિવસે ગરીબો અને બ્રાહ્મણોને ભોજન સામગ્રીનું દાન કરો. કુંભ સંક્રાંતિ પર તમે ચોખા, કઠોળ, બટાટા કે કપડાંનું દાન કરી શકો છો. આમ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.


12 રાશિ પર શી અસર થશે

મેષ
સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરતા આત્મવિશ્વાસમાં અને ખ્યાતિમાં વધારો થશે. તો વેપારમાં લાભ અને નોકરીમાં પણ પ્રગતિ થશે. આ રાશિના જાતકો જે ક્ષેત્રમાં જશે એમાં ખૂબ જ પ્રગતિ કરશે. ખાસ કરીને આ લોકો રાજનીતિ, વહીવટ અને ધંધામાં સફળતા મેળવશે

વૃષભ
કુંભ રાશિમાં સૂર્યના ગોચરને કારણે સ્વભાવમાં કડવાશ વધશે. તમારી નોકરી અથવા કારકિર્દીમાં વધુ મહેનત કરવાથી તમને ફાયદો થશે. તમારી વ્યસ્તતા વધશે. ખર્ચમાં પણ વધારો થશે, તેથી કાળજીપૂર્વક ખર્ચ કરો.

મિથુન
કુંભ સંક્રાતિને કારણે નોકરી કરતા લોકોને ફાયદો થશે, તો કરિયર સંબંધિત કોઈપણ નિર્ણયથી ફાયદો થશે, સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.

કર્ક
કુંભ રાશિમાં સૂર્યના ગોચરને કારણે તમારી આવકમાં વધારો થશે. જમીન, મકાન કે વાહનનો આનંદ મળશે.

સિંહ
આ રાશિના જાતકને જીવનમાં ઘણું માન-સન્માન મળશે. આ લોકોને જીવનમાં કોઈ વસ્તુની કમી હોતી નથી. કુંભ રાશિમાં સૂર્યનું ગોચરથી તમારું બજેટ ખોરવી શકે છે, તેથી બિનજરૂરી ખર્ચાઓ કાપ કરી નાખો. ગુસ્સો કરવાનું ટાળો. કામમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ તમને સફળતા મળશે.

કન્યા
આ રાશિના જાતકોને સ્વભાવમાં કડવાશ આવી શકે છે, તેથી કડવું ન બોલો, ગુસ્સો ન કરો અને કરિયર-બિઝનેસ પર ખાસ ધ્યાન આપો.

તુલા
સૂર્યના ગોચરને કારણે કામની જગ્યાએ અમુક મુશ્કેલી આવી શકે છે તો કામમાં વ્યસ્ત રહેશો. પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.

વૃશ્ચિક
આ રાશિના જાતકોને આ સમય દરમિયાન મિક્સ પરિણામ જોવા મળશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

ધન
સૂર્ય દેવના કુંભ રાશિમાં ગોચરને કારણે નોકરી અને ધંધામાં પ્રગતિ થશે તો કોઇ પ્રવાસ પર જવાના યોગ પણ બની રહ્યા છે. ગુસ્સા પર કાબૂ રાખો, નહિ તો વાદ-વિવાદ થઇ શકે છે.

મકર
આ રાશિના જાતકો પર સૂર્યનો પ્રભાવ જોવા મળશે. આ સમય તમારા માટે વરદાન સમાન છે. તમે કોઇપણ કામ ચાલુ કરો છો તો એમાં અચુક સફળતા મળશે. વાહન અને મિલકતની ખરીદી કરી શકો છો.

કુંભ
સૂર્ય દેવ આ રાશિમાં ગોચરને કારણે નોકરીના યોગ બની રહ્યા છે. કામમાં પણ વ્યસ્ત રહેશો, પરંતુ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

મીન
સૂર્યદેવ કુંભ રાશિમાં ગોચર કરવાથી આવકમાં વધારો થશે, કોઈપણ સાથે વિવાદ કરવાથી મુશ્કેલીમાં વધારો થશે. તો આ સમય દરમિયાન ધન લાભ થવાની પણ શક્યતા છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઇ શકે છે, એથી સાવધાની રાખવી.

ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો
સૂર્યપૂજા માટે તાંબાની થાળી અને તાંબાના લોટાનો ઉપયોગ કરો. થાળીમાં લાલ ચંદન, લાલ ફૂલ અને ઘીનો દીવો રાખો. દીવો તાંબાનો કે માટીનો ચાલી શકે છે. અર્ઘ્ય આપતી સમયે લોટાના પાણીમાં લાલ ચંદન મિક્સ કરો અને લાલ ફૂલ પણ રાખો.

ઓમ ધૃણિ સૂર્યઆદિત્યાય નમઃ મંત્રનો જાપ કરીને અર્ઘ્ય આપો અને પ્રણામ કરો. અર્ઘ્યના પાણીને જમીન ઉપર પડવા દેશો નહીં. કોઈ તાંબાના વાસણમાં જ અર્ઘ્ય પડવું જોઇએ. પછી એ પાણીને કોઈ એવા છોડ-વૃક્ષમાં નાખો, જ્યાં કોઈના પગ અડે નહીં.