સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘો મૂશળધાર

July 25, 2021

બંગાળના અખાતમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદની હેલી જામી છે. છેલ્લાં કેટલાંક દિવસના અંતરાલ બાદ ગુજરાતના કેટલાંક વિસ્તારોને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં ગઇકાલથી મેઘ મહેર જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘો મૂશળધાર થયો છે. આજે વહેલી સવારે 6 વાગ્યાથી મેઘરાજાની પધરામણી શરૂ થઈ હતી. સવારે બે કલાકમાં વેરાવળ-સોમનાથમાં દોઢ ઈંચ અને સુત્રાપાડામાં અડધો ઈંચ વરસાદ વરસી ગયો હતો. જેના પગલે શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી વહેવા લાગેલ જયારે શેરીઓમાં પાણી ભરાઇ ગયા હતા. તો અવિરત વરસાદ વરસી રહ્યો હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી. તો સાવરકુંડલામાં ફરી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી.

છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદી માહોલ જામ્યો છે. નસવાડી, આમરોલી, તણખલા સાથે ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. છોટાઉદેપુરના કવાંટમાં નાની ટોકરી પાસેથી પસાર થતી ટોકરવો ધામણી નદીમાં પૂર આવ્યું છે. કોઝવે ઉપર પાણી ફરી વળતા 4થી વધુ ગામનો જીલ્લા સાથે સંપર્ક કપાયો છે. સાર્વત્રિક વરસાદના લીધે નસવાડીનું હાંડલી ગામ સંપર્ક વિહોળું બની ગયું છે. મુખ્ય ગામના રોડ પર આવેલ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. હાંડલીના ગ્રામજનોને દસ કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે.
ગિરનારે લીલી ચાદર ઓઢી લીધી જૂનાગઢમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. સવારથી ધીમીધારે વરસાદ શરૂ થઇ ગયો છે. છેલ્લાં બે દિવસથી વરસાદી માહોલ મગફળી, કપાસ અને સોયાબીન પાક માટે આશીર્વાદ રૂપ સાબિત થયો છે. જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર વાદળોની ચાદર છવાય ગઇ છે અને નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. ચોતરફ હરિયાળી ખીલી ઉઠી છે. ગિરનારે જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગિરનારમાં અનરાધાર વરસાદના લીધે દામોદર કુંડ આવ્યા નવા નીર આવ્યા છે. દામોદર કુંડમાં પગથિયાં સુધી પાણી આવી ગયું છે. ભારે વરસાદના લીધે ઝાંઝરડા અંડરબ્રીજમાં પાણી ભરાયા છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે રોપવે બંધ કરાયો છે. તળેટીથી અપર સ્ટેશન અંબાજી મંદિર તરફ જવા માટેની સુવિધા બંધ કરવામાં આવી છે. રોપવે મારફત ઉપર ગયેલા યાત્રિકોને સલામત રીતે નીચે લાવવામાં આવી રહ્યા છે. એક-એક ટ્રોલીને ધીમે ધીમે નીચે લાવવામાં આવી રહી છે. લોઅર સ્ટેશનથી અપર સ્ટેશન જવા માટેની ટ્રોલીઓ બંધ કરી દેવામાં આવી છે.

વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડા અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કપરાડામાં 4 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકયો છે. ઉપરવાસમાં વરસાદને લીધે નદીઓમાં પાણીની આવક થઇ છે. મધુબન ડેમની સપાટી 71.35 મીટર પર પહોંચી છે. જ્યારે 13,828 ક્યુસેક પાણીની આવક થઇ છે. તો ડેમમાંથી 11653 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં ઉમરગામ, ધરમપુર, કપરાડા અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ છે.
બોડેલીમાં વહેલી સવારથી મેઘો મહેરબાન થયો છે. બોડેલીમાં છ કલાકમાં લગભગ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. સતત વરસાદના લીધે બોડેલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. બોડેલી રેલવે ગરનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ કરાયો છે.

પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જિલ્લાના ગોધરા,શહેરા અને જાંબુઘોડા તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગોધરામાં 1 ઇંચ અને જાંબુઘોડા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો.
ગોધરા શહેરમાં વરસેલા વરસાદને લીધે માર્ગો પર પાણી ભરાયા છે. ગોધરા શહેરના તાલુકા પંચાયતની બહાર, ભૂરાવાવ અને શહેરા ભાગોળ વિસ્તારના માર્ગો પર પાણી ભરાયા છે. બીજી તરફ વરસાદને લઈને ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે. ડાંગર,મકાઈ સહિતના કઠોળના પાકોને ફાયદો થશે.