કેરળમાં ટોમેટો ફિવરનો કહેરઃ કોલ્લમ જિલ્લામાં ૮૦થી વધુ બાળકો ચપેટમાં

May 13, 2022

બેંગ્લોર : કેરળ રાજ્યના કોલ્લમ જિલ્લામાં અને તેની આસપાસના વિસ્તારોમાં ૮૦ કરતા વધારે બાળકો ટોમેટો ફીવરનો શિકાર બન્યા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કર્મચારીઓ જણાવે છે કે, ગણતરીના દિવસોમાં કેરળના વિવિધ વિસ્તારોમાં ૮૦ કરતા વધારે બાળકોમાં આ બીમારી સામે આવી હતી. એકાએક જ આ બીમારીના કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. એક ઉચ્ચ અધિકારી જણાવે છે કે, પાંચ વર્ષથી ઓછી ઉંમરના લગભગ ૮૦થી વધારે બાળકો આ બીમારીનો શિકાર બન્યા છે અને આ આંકડો વધવાની શકયતા છે.

તમિલનાડુ બોર્ડર પાસે પણ મુસાફરોના ટેસ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તમામ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને ચકાસવા માટે કેરળ સરકાર દ્વારા ૨૪ સભ્યોની એક ટીમ તૈયાર કરવામાં આવી છે.  આ દુર્લભ વાયરસને ધ્યાનમાં રાખીને કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર કે. સુધારકે સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને તેમને જરૂરી આદેશો આપ્યા હતા.

પ્રાથમિક રિપોર્ટ્સ અનુસાર મોટાભાગના કેસ કેરળમાં આર્યનકાવુ, અંચલ અને નેદુવાથુર વિસ્તારમાં નોંધાયા છે. સાવધાનીના ભાગ રુપે અમે કેરળથી કર્ણાટક આવતા મુસાફરો પર નજર રાખીશું. આ સિવાય રાજ્યની ઓપીડીઓમાં આ બીમારીના લક્ષણો વાળા બાળકો આવે તેના પર પણ ધ્યાન રાખીશું. આ સિવાય તેમણે ખુલાસો કર્યો કે, ટોમેટો ફીવરને કોરોના વાયરસ સાથે કોઈ લેવા દેવા નથી. લોકોએ વધારે પરેશાન થવાની કે ડરવાની જરૂર નથી.

ટોમેટો ફિવરના લક્ષણો- આ એક દુર્લભ વાયરલ બીમારી છે. આ બીમારીનો શિકાર દર્દીને લાલ રંગના ચામઠા પડી જાય છે, ચામડી પર ખંજવાળ આવે છે, ડિહાઈડ્રેશન થઈ જાય છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આ બીમારી ખાસ જોવા મળે છે. પીડિત બાળકોની ચામડી પર ટમેટાની જેમ લાલ રંગના નિશાન પડી જતા હોવાને કારણે તેને ટોમેટો ફીવર નામ આપવામાં આવ્યું છે. આ સિવાય તાવ આવવો, શરીરમાં દુખાવો, સાંધામાં સોજો આવવો, વગેરે આના લક્ષણો છે. આના લક્ષણો ચિકનગુનિયા જેવા જ છે. ડોક્ટરો સલાહ આપી રહ્યા છે કે, બાળકોને પ્રવાહીનું સેવન કરાવતા રહો, આ સિવાય સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે.