ટૂલકિટ : કોર્ટના દિલ્હી પોલીસને આકરાં સવાલ, દિશાની જામીન અરજી પરનો ચુકાદો અનામત

February 21, 2021

નવી દિલ્હી : ટૂલકિટ કેસમાં દિલ્હીની કોર્ટે શનિવારે દિલ્હી પોલીસના ઉગ્ર વિરોધ વચ્ચે દિશા રવિની જામીન અરજી પરનો ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટ હવે મંગળવારે દિશાની જામીન પરનો ચુકાદો જાહેર કરશે. દિલ્હી પોલીસ વતી હાજર થયેલા અધિક સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ કોર્ટને જણાવ્યું હતું કે, ટૂલકિટ દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે થયેલી હિંસા સાથે સંકળાયેલી છે. આ દલીલ પર અધિક સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ સવાલ કર્યો હતો કે, શું દિલ્હી પોલીસ પાસે પ્રજાસત્તાક દિવસની હિંસા અને  ટૂલકિટને સાંકળતા કોઈ પુરાવા છે કે પછી ધારણા અને અનુમાન પર જ આરોપ મૂકી રહી છે? અધિક સોલિસિટર જનરલની દલીલો પર જર્જે સવાલ કર્યો હતો કે, માની લો કે હું કોઈ આંદોલન સાથે સંકળાયેલો છું અને કેટલાક લોકોને કોઈ ઇરાદા સાથે મળું છું તો શું તમે મારા માટે પણ એક જ પ્રકારનો ઇરાદો રાખશો? જો હું કોઈ મંદિરના દાન માટે કોઈ ડકૈતનો સંપર્ક કરું છું તો તમે કેવી રીતે કહી શકો કે હું પણ તેની સાથે લૂટફાટમાં સામેલ છું?

જાગૃતિ ફેલાવવાનો ગુનો હોય તો હું જેલ જવા તૈયાર : દિશા
દિશા રવિએ જણાવ્યું હતું કે,મારું કામ પર્યાવરણને બચાવવાનું છે નહીં કે વેરઝેરના વાવેતર કરવાનું. ટૂલકિટ દ્વારા કોઈ અસંતોષ ફેલાવવમાં આવ્યો નથી. તે ફક્ત એક ડિજિટલ ડોક્યુમેન્ટ છે. મારા ભૂતકાળને ખાલિસ્તાન સાથે કોઈ લેવાદેવા નથી. કોઈ અલગતાવાદી સાથે વાત કરવાથી હું અલગતાવાદી થઈ જતી નથી. મેં ખેડૂત આંદોલન અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો, જો એ ગુનો હોય તો હું જેલ જવા તૈયાર છું.

દિલ્હી પોલીસની દલીલો
દિશા ભારતને બદનામ કરવાના આંતરરાષ્ટ્રીય કાવતરાનો હિસ્સો છે
ટૂલકિટમાં રહેલા હેશટેગ અને લિન્કને સાંકળીને આખો મામલો સમજવો જોઈએ
ટૂલકિટમાં લોકોને ઉશ્કેરીને સડકો પર ઊતરવાનું આહ્વાન કરાયું છે
આ ટૂલકિટ સાદી કે નિર્દોષ ટૂલકિટ નથી, તેની સાથે સંકળાયેલા તમામ ખાલિસ્તાની મૂવમેન્ટ અંગે જાણે છે
દિશા રવિ ખાલિસ્તાની સંગઠન સાથે સંકળાયેલી છે, તેની સામે રાજદ્રોહનો કેસ બને છે

દિશા રવિના વકીલની દલીલો
ખેડૂત આંદોલન અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો, હિંસા ભડકાવવાના આરોપ પાયાવિહોણા
પાંચ દિવસની કસ્ટડીમાં દિલ્હી પોલીસ મોબાઇલની શોધ માટે દિશાને એકપણ વાર બેંગલોર કેમ ન લઈ ગઈ
દિશા રવિને ખાલિસ્તાનની મૂવમેન્ટ સાથે કોઈ લેવાદેવા નથી, પોલીસને પુરાવા નથી મળ્યા એટલે કાવતરાના આરોપ મૂક્યા
કોઈ આંદોલનને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવાથી દેશદ્રોહ થઈ જતો નથી