ટોચના નેતાઓ પર હવે કોરોનાગ્રસ્ત લેટરબોમ્બનો ખતરો, ઈન્ટરપોલે ચેતવણી આપી

November 21, 2020

વોશિંગ્ટન : કોરોનાનો કહેર ઓછો હોય તેમ હવે તેમાં આતંકવાદનો ભય પણ ઉમેરાયો છે. આંતરરાષ્ટ્રીય તપાસ સંસ્થા ઈન્ટરપોલ દ્વારા જાહેર કરવામાં આવેલ ચેતવણી મુજબ, આતંકવાદી જૂથો વિવિધ દેશોના ટોચના નેતાઓને સંક્રમિત કરવા માટે કોરોનાનો ચેપ પરબિડિયા મોકલીને પ્રસારે એવો ભય વ્યક્ત થયો છે.

આ અંગે ઈન્ટરપોલ દ્વારા ભારત સહિત દરેક દેશોને ચેતવણી આપવામાં આવી છે. ઉચ્ચ હોદ્દા પરના નેતાઓને મળતાં પત્રો સંક્રમિત હોઈ શકે એવી શંકાને ધ્યાનમાં રાખીને ઈન્ટરપોલ દ્વારા વિશેષ માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે.

જૈવિક હુમલા અંગે શું ચેતવણી આપી?

  • કોવિડ-19 અંગે ઈન્ટરપોલે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં જાહેર કરેલ નવી માર્ગદર્શિકામાં કોરોના વાયરસનો જૈવિક હુમલા (બાયોલોજિકલ એટેક) તરીકે ઉપયોગ થવાનો ભય વ્યક્ત કર્યો છે.
  • ઈન્ટરપોલે કોઈ દેશ કે નેતાનું નામ જાહેર કર્યા વગર સ્પષ્ટ જણાવ્યું છે કે, કેટલાંક નેતાઓને મોકલાયેલા પત્રોમાં કોરોના વાઈરસ હોવાનું જણાયું છે. આવા એકથી વધુ પત્રો વારંવાર મળ્યા હોવાથી એ જૈવિક હુમલો હોવાની સંભાવનાઓ પ્રબળ છે.
  • એવો દાવો પણ ઈન્ટરપોલ દ્વારા કરવામાં આવ્યો છે કે કેટલાંક આતંકી જૂથો કોરોના સંક્રમણના સેમ્પલ ઓનલાઈન વેચી રહ્યા છે.
  • નેતાઓ ઉપરાંત સમગ્ર દેશ માટે ખતરો હોવાનું જણાવતાં ઈન્ટરપોલે કહ્યું છે કે, મોટા પ્રમાણમાં પત્રો મોકલીને પોસ્ટલ વિભાગ દ્વારા માસ ઈન્ફેક્શન (સામુહિક સંક્રમણ) વધારવાનો પ્રયાસ પણ નકારી શકાય નહિ.