ટોરોન્ટો સીટી કાઉન્સિલ કાફે-ટુ યોજનાને કાયમી મંજૂરી આપશે

November 16, 2021

  • 1200 રેસ્ટોરન્ટ્સ અને મુખ્ય શેરીઓના બાર્સને રાહત થવાની આશા
ટોરોન્ટો : સીટી કાઉન્સિલે કેફે-ટુ અંતર્ગત રેસ્ટોરન્ટ્સ અને બારને ખુલ્લા સ્થળોમાં ભોજનની વ્યવસ્થા આપવાની નવી યોજનાને કાયમી કરતી મંજૂરી આપી છે. ગયા વર્ષે પહેલી વખત આ કાર્યક્રમનો અમલ કરવામાં આવ્યો હતો. જેનો હેતુ 
કોવિડ-19ના મહા-રોગચાળા દરમિયાન નુકસાન ઉઠાવી રહેલા રેસ્ટોરન્ટ્સ અને બારને મદદ કરવા માટે ગ્રાહકોને ખુલ્લી જગ્યાએ ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનામાં આજુબાજુના કાફે તથા સીઝનલ કેફેને પણ તક પુરી પાડવામાં આવી છે. કર્મચારીઓએ ગયા મહિને એવી ભલામણ કરી હતી કે, આઉટડૉર ડાયનિંગના કાર્યક્રમને કાયમી મંજૂરી આપવી જોઈએ. એ ભલામણ પર કાઉન્સિલે સક્રિય વિચારણા કરીને તેનો અમલ શરુ કર્યો હતો.
બુધવારે ઠરાવ પસાર થયા બાદ મીડિયા સમક્ષ મેયર જ્હોન ટોરીએ જણાવ્યું હતું કે, કેફે-ટુ કાર્યક્રમ 1200 રેસ્ટોરન્ટ્સ અને મુખ્ય શેરીઓના બાર્સને પણ મદદ કરવા માટે ચાલુ કરવામાં આવ્યો હતો. કોવિડના રોગચાળા દરમિયાન આ ક્ષેત્રને ભારે નુકસાન થયું હતું અને તેથી હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને આર્થિક ટેકો આપવા માટે આ યોજના શરુ કરવામાં આવી હતી.  આ સફળ કાર્યક્રમે સંચાલકોને ટેકો આપ્યો છે, નોકરીઓને રક્ષણ મળ્યું છે અને ઉત્સાહમાં વધારો થયો છે.
ટોરીએ કહ્યું હતું કે, જે કેટલીક મહત્વની પહેલ કરવામાં આવી છે તેમાંની આ એક પહેલ છે, જે સફળ રહી છે, ટોરોન્ટોને રોગચાળા દરમિયાન થયેલા નુકસાનમાંથી બહાર લાવવામાં આ યોજના મદદરૂપ બનશે એવી આશા છે. આગામી વર્ષોમાં આ ઉદ્યોગ ટકી રહે તે માટે આવી મદદની જરૂરત હતી. શહેરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માટે હાલ જે ફી લેવામાં આવે છે, તે આવતા વર્ષે માફ કરી દેવામાં આવશે. 
પરમેનન્ટ કેફે-ટુ આ ઉદ્યોગને સરકારી મદદ તથા પ્રોત્સાહક કાર્યક્રમો દ્વારા ટેકો આપવાનો હેતુ છે. જે શહેરના નોર્થ યોર્ક, સ્કારબોરો અને ઇટોબીકોક જેવા જુદા-જુદા વિસ્તારોમાં ઉદ્યોગને પ્રોત્સાહન આપશે.