ટોરોન્ટોની ડ્રેગ કિવનમિશેલ રોસના અવસાનથી ચાહકોમાં શોકની કાલિમા

April 05, 2021

ઓન્ટેરિયો : ટોરોન્ટોની ડ્રેગ કિવન તરીકે જાણીતી મિશેલ રોસનું રવિવારે અવસાન થયું હતુ. અંગેના સમાચાર વહેતા થતાં એના ચાહકોએ એને શ્રધ્ધાંજલિ આપવા અને એના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું હતું. જમૈકામાં જન્મેલી મિશેલ રોસ છેલ્લા ચાર દાયકાથી ટોરોન્ટોમાં રહીને વિશ્વભરમાં પરફોર્મન્સ આપી ખ્યાતિ મેળવી ચુકી હતી.

એની વય ૬૦ વર્ષની આસપાસ હોવાનું જાણવા મળે છે. મિશેલના અવસાન બાદ ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. તે અગાઉ સોમવારે પ્રાઈડ ટોરોન્ટોએ ટવીટર ઉપર જાહેરાત કરી હતી કે, મિશેલનું અવસાન થયું છે અને એનું કારણ હજુ જાણવા નથી મળ્યું.

ડ્રેગ ક્ષેત્રમાં મિશેલનું નામ ટોચ પર હતું. એની પ્રતિભા અને સરળ તથા મિલનસાર સ્વભાવને કારણે વધુ લોકપ્રિય હતી. કેનેડાના ટોચના બુકસ્ટોર તરીકે ઓળખાતા ગ્લેડ ડે બુકસ્ટોરે પણ મિશેલના અવસાનથી સમાજને મોટી ખોટ ગઈ હોવાનું જણાવ્યું હતું. પ્રતિભાવમાં સ્ટોરે કહ્યું હતું કે, આપણા ગામ, આપણા શહેર અને આપણી દુનિયાએ મહાન કલાકારને ગુમાવી દીધી છે.

એની સાલસતા, પ્રેરણાદાયી વ્યકિતત્વ અને મૈત્રીભર્યા સ્વભાવને કારણે ઘણી લોકપ્રિય હતી. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકાર હતી. અન્ય ડ્રેગ કવિન બ્રુક લિમ હાયટસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, મિશેલ મહાન કલાકાર અને ટોરોન્ટોના ડ્રેગક્ષેત્રની ટોચની કલાકાર હતી. જો તમે કોઈ શોમાં એની સાથે કામ કર્યું હોય તો સમજાઈ જાય કે, દર્શકો પર એનો પ્રભાવ કેટલો હતો.

સમાજના આગેવાન સાલોન નોઈરે ફેસબુક પર લખ્યું હતું કે, આપણા સમાજની આગેવાન હતી. બધાના મનોરંજન માટે સદા તત્પર રહેતી હતી. પ્રભુ એના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના સમાજ કરી રહ્યો છે. મિશેલે ઘણી મહત્વની ઈવેન્ટસમાં પરફોર્મ કરીને નામના મેળવી હતી. જેમાં વર્ષની રાઈઝ અપ ઈવેન્ટનો સમાવેશ થાય છે. તેણે કેરીયરની શરૂઆત ૧૯૭૪માં ટોરોન્ટોની મેટીની કલબમાં પરફોર્મન્સથી કરી હતી. ઉપરાંત તેણે અમેરિકા, લંડન, ઈંગ્લેન્ડ અને જમૈકામાં અનેક પરફોર્મન્સ કર્યા હતા.