6 મહાનગરપાલિકાની 576માંથી 201નો ટ્રેન્ડ, 141માં ભાજપ આગળ, 40માં કોંગ્રેસ આગળ, 16માં AAP અને ઓવૈસીની પાર્ટી AIMIM 4 સીટ પર આગળ

February 23, 2021

અમદાવાદ :  : રાજ્યની 6 મહાનગર પાલિકામાં ઓછા મતદાન બાદ 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. રાજકોટમાં ભાજપને પહેલી જીત મળી છે. સુરતમાં સૌ પ્રથમ EVMની મતગણતરી શરૂ થઈ છે. ભાવનગરમાં વોર્ડ નંબર 7 અને 11ની પેનલ તથા જામનગરમાં વોર્ડ નંબરની પેનલના ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. 6 મહાનગરપાલિકાની 576માંથી 180ના ટ્રેન્ડમાં 140માં ભાજપ આગળ છે, જ્યારે 40માં કોંગ્રેસ, 16માં AAP અને ઓવૈસીની પાર્ટી AIMIM 4 સીટ પર આગળ છે.

સુરત વોર્ડ નંબર 4માં આપનો ઉમેદવાર આગળ, જ્યારે અમદાવાદના બહેરામપુરામાં ઔવેસીની પાર્ટી AIMIM આગળ છે. મહાનગરપાલિકાની મતગણતરીના શરૂઆતી ટ્રેન્ડમાં 105માં ભાજપ આગળ છે, જ્યારે અમદાવાદ, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત 21માં કોંગ્રેસ આગળ છે.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરેરાશ 46 ટકા મતદાન થયું હતું. જેની આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. 6 મનપાના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના કુલ 144 વોર્ડના 575 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થશે. 6 મનપાના કુલ 144 વોર્ડમાં 576 બેઠકો માટે હવે 2276 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં ભાજપના 575, કોંગ્રેસના 564, આમ આદમી પાર્ટીના 419 અને 226 અપક્ષ તથા અન્ય પક્ષોનો સમાવેશ થાય છે.

અમદાવાદના 24 વોર્ડની મતગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અને બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે ચાલી રહી છે. જેમાં શરૂઆતના ટ્રેન્ડમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM, દાણીલીમડા, ગોતા, દરિયાપુર અને ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસ, જ્યારે જોધપુર, અસારવા, સૈજપુર બોધા, નવા વાડજ , બાપુનગર, વસ્ત્રાલ, નિકોલ, ખોખરા અને ગોતા વોર્ડમાં ભાજપની પેનલ આગળ છે. શરૂઆતમાં ભાજપ 49 બેઠક પર અને 6 બેઠક પર કોંગ્રેસ આગળ છે. જ્યારે જોધપુર વોર્ડના કાર્યકરો ઢોલ લઈને ઉજવણી માટે મતગણતરી પહોંચી ગયા છે.